MP Woman posts apology video after outrage on social media: મધ્યપ્રદેશના શિવપુરીની યુવતી પ્રિતી કુશવાહે ગ્વાલિયર કિલ્લામાં જૈન તીર્થંકરની મૂર્તિઓ પર બેસીને રીલ બનાવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો છે. વીડિયો વાયરલ થયા બાદ જૈન સમાજ રોષે ભરાયો.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મધ્યપ્રદેશના શિવપુરીની યુવતી પ્રિતી કુશવાહે ગ્વાલિયર કિલ્લામાં જૈન તીર્થંકરની મૂર્તિઓ પર બેસીને રીલ બનાવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં તેમણે ચપ્પલ-બૂટ પહેરીને મૂર્તિઓ પર બેસીને અશ્લીલ ભાષા વાપરી છે. વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ જૈન સમાજ રોષે ભરાયો છે અને આ મામલે કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.
વીડિયોમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ
ગ્વાલિયર કિલ્લા (Gwalior Fort)માં આવેલી પ્રાચીન જૈન તીર્થંકર મૂર્તિઓ પર બેસીને પ્રિતી કુશવાહે રીલ બનાવી હતી જેમાં તે અને તેના સાથીદારો બૂટ-ચપ્પલ પહેરીને મૂર્તિઓ પર બેસેલા દેખાય છે. વીડિયો શૂટ કરતી વખતે તેમણે મૂર્તિઓને "પત્થરના સ્ટેચ્યુ" કહીને ધાર્મિક મૂર્તિઓની મજાક કરી હતી. આ વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કર્યો હતો, જે બહુ વાયરલ થયો હતો.
ADVERTISEMENT
સામુદાયિક રોષ બાદ માફી માગી
વિવાદ વધ્યા બાદ પ્રિતી કુશવાહે પોતાનો વીડિયો ડિલીટ કર્યો હતો. તેણે જૈન સમાજને સંબોધીને એક માફી માગતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે તેને ખબર નહોતી કે આ મૂર્તિઓ જૈન ધર્મના લોકો માટે પવિત્ર છે. પ્રિતી અને તેના સાથીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને જૈન સમુદાય પાસે માફી માગી. તેમ છતાં, જૈન સમુદાયનો ગુસ્સો શાંત થયો નથી અને આ ઘટનાને ધાર્મિક અનાદર ગણાવી છે.
જૈન સમુદાયે પોલીસને લખ્યા અરજીપત્ર
શનિવારે જૈન સમુદાયના સભ્યોએ ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહને અરજીપત્ર આપ્યું હતું. તેમણે આરોપી સામે તાત્કાલિક FIR દાખલ કરવા અને કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી. આ સિવાય ‘અખિલ ભારતીય શ્રી દિગંબર જૈન બરૈયા મહાસભા’ દ્વારા પણ અરજીપત્ર આપીને કડક કાર્યવાહીની માગ કરી હતી.
શિવપુરીમાં પણ વિરોધ પ્રદર્શન, સરકારી તંત્ર સામે પણ નારાજગી
આ ઘટનાથી સમગ્ર મધ્યપ્રદેશમાં જૈન સમુદાયના (Jain Community) લોકો રોષે ભરાયા છે. પ્રિતી કુશવાહાના વતન શિવપુરીમાં પણ લોકોએ રસ્તા પર ઊતરી વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી તહસીલદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ અરજીપત્રમાં જૈન ધર્મના અપમાન માટે જવાબદાર લોકો પર કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આર્કિયોલોજીકલ વિભાગની નિષ્ક્રિયતા પર પણ ટીકા કરવામાં આવી છે. સમુદાયે કહ્યું કે આવા પવિત્ર ધાર્મિક સ્થળો પર યોગ્ય સુરક્ષા અને દેખરેખ હોવી જોઈએ.
પોલીસે શરૂ કરી તપાસ
ગ્વાલિયર પોલીસ (Gwalior Police) દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે વાયરલ વીડિયો (Viral Video) અને તેમાં દેખાતા તમામ લોકોની ઓળખ કરી રહ્યાં છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસના આધારે ગુનેગારો વિરુદ્ધ કાયદેસર યોગ્ય પગલાં લેવામાં આવશે.

