એશિયાના સૌથી મોટા નોએડા ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ પરથી દર બે મિનિટે એક ફ્લાઇટ ઊપડશે. વર્ષે ૧.૨ કરોડ લોકોનું વહન કરવાની ક્ષમતા, ૫૦૦૦ એકરમાં ફેલાયેલા ઍરપોર્ટમાં હશે ચાર ટર્મિનલ
ગઈ કાલે ઉદ્ઘાટન પછી ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદી. આ ઍરપોર્ટ પર વ્યક્તિનો ચહેરો જ તેનો બોર્ડિંગ પાસ બનશે એવી ટેક્નૉલૉજી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગૌતમબુદ્ધનગરના જેવરમાં બનેલા નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. હાલના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ૨૦૦૧માં જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે એશિયાના સૌથી મોટા ઍરપોર્ટની પરિકલ્પના તૈયાર કરી હતી અને હવે ૨૫ વર્ષ બાદ એ પરિકલ્પના સાકાર થઈ છે.
આ ઍરપોર્ટ માત્ર ભારતમાં જ નહીં, એશિયામાં ડંકો વગાડશે. વિસ્તારથી લઈને ક્ષમતાના દૃષ્ટિકોણથી નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ એશિયામાં સૌથી મોટું હશે. ચાર તબક્કામાં આ ઍરપોર્ટ બની રહ્યું છે. હાલમાં પહેલો તબક્કો પૂર્ણ થયો છે ત્યારે દર વર્ષે એ ૧.૨૦ કરોડથી વધુ મુસાફરો અને અઢી લાખ મેટ્રિક ટન કાર્ગોનું વહન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે.
ADVERTISEMENT
ઍરપોર્ટ ૫૦૦૦ એકરમાં ફેલાયેલું છે. ચારેય તબક્કા પૂર્ણ થયા પછી એની ક્ષમતા વર્ષે ૭ કરોડ યાત્રીઓની થઈ જશે અને માલવહનની ક્ષમતા ૧૮ લાખ મેટ્રિક ટનની થશે.
ભારતી સૌથી મોટી ગ્રીનફીલ્ડ યોજનામાંનો એક પ્રોજેક્ટ છે જેવરમાં આવેલું નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ. નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન ભલે કરી નાખ્યું પણ એને ઑપરેશનલ થતાં લગભગ ૪૦ દિવસ લાગશે. વીસમી એપ્રિલ સુધીમાં ફ્લાઇટ્સ શરૂ થશે જે ૬૫ શહેરો સાથે કનેક્ટિવિટી જોડશે. શરૂઆતમાં ડોમેસ્ટિક ૧૦ શહેરો જેવાં કે મુંબઈ, બૅન્ગલોર, હૈદરાબાદ, કલકત્તા, પુણે, લખનઉ, અમદાવાદ, ચેન્નઈ, ગોવા અને જયપુર માટેની ફ્લાઇટ્સ શરૂ થશે.
ઍરપોર્ટનો રનવે દર કલાકે ૩૦ ફ્લાઇટ્સના ટેક-ઑફ અને લૅન્ડિંગની ક્ષમતા રાખે છે, મતલબ કે અહીં દર બે મિનિટે એક ફ્લાઇટ ઊપડશે કે લૅન્ડ થશે. લેટેસ્ટ ટેક્નૉલૉજીથી સજ્જ આ ઍરપોર્ટ પર તમારો ચહેરો જ બોર્ડિંગ પાસની ગરજ સારે એવાં અત્યાધુનિક સ્કૅનિંગ મશીન છે.
નોએડાના ઍરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂતને મળ્યા ૧૫ કરોડ રૂપિયા; હેલિકૉપ્ટર ખરીદ્યું, થાઇલૅન્ડની ટ્રિપ કરશે
નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂતો માલામાલ થઈ ગયા છે. એક ખેડૂતને તેની જમીનના ૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. આ અણધાર્યાં નાણાંમાંથી તેણે એક હેલિકૉપ્ટરની ખરીદી કરી હતી અને હવે તે થાઇલૅન્ડના પ્રવાસે જવાનો છે. ગામડાની અર્થવ્યવસ્થામાં થયેલા ફેરફારની વાત કરતાં બનવારી બાસના ૨૬ વર્ષના શિવમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘વળતરના પૈસાએ લગભગ રાતોરાત જીવનશૈલી બદલી નાખી છે. ઘણા રહેવાસીઓ માટે જમીન-સંપાદન અચાનક સંપત્તિ અને લાંબા સમયથી અટકેલી આકાંક્ષાઓને પૂરી કરવાની તકમાં પરિવર્તિત થયું છે. લોકો ખુશ છે કારણ કે તેઓ તેમની ઇચ્છાઓને પૂરી કરી રહ્યા છે.’ બાંધકામની તેજી વચ્ચે પ્રજાપતિને પણ નવી તકો મળી છે. તે ઍરપોર્ટ પ્રોજેક્ટ અને નજીકના સોલર પ્લાન્ટ માટે મજૂરો પૂરા પાડતા સબ-કૉન્ટ્રૅક્ટર તરીકે કામ કરે છે. વધતી કમાણી સાથે તે પણ મિત્રો સાથે થાઇલૅન્ડમાં આંતરરાષ્ટ્રીય રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યો છે, જે તેના કહેવા મુજબ થોડાં વર્ષો પહેલાં અકલ્પનીય વાત હતી. કિશોરપુર ગામના અજય બેનીવાલે એક સાધારણ સેટ-અપને આવકના સ્થિર સ્રોતમાં ફેરવી દીધું છે. એક સમયે આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલો બેનીવાલ હવે એક નાની સર્વિસ આપીને મહિને લગભગ ૬૦,૦૦૦ રૂપિયા કમાય છે. કામ પર જતી વખતે મજૂરો તેમની હેલ્મેટ અને ચાવીઓ તેની પાસે જમા કરાવે છે. આમાંથી તેને કમાણી થાય છે.

નવા ઍરપોર્ટનો અંદરનો નજારો
ઍરપોર્ટનું લોકેશન
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશલ ઍરપોર્ટથી ૯૦ કિલોમીટર.
નોએડાથી ૬૦ કિલોમીટર.
ગુરુગ્રામ (હરિયાણા)થી ૬૫ કિલોમીટર.
પલવલ (હરિયાણા)થી ૩૦ કિલોમીટર.
મથુરાથી ૯૦ કિલોમીટર.
બુલંદશહરથી ૩૬ કિલોમીટર.
આગરાથી ૧૩૦ કિલોમીટર.
અલીગઢથી ૬૫ કિલોમીટર.
કોણ બનાવી રહ્યું છે આ ઍરપોર્ટ?
સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિક ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ AG અને તાતા પ્રોજેક્ટ્સના સહયોગથી આ ઍરપોર્ટ બની રહ્યું છે. ઝ્યુરિક ઍરપોર્ટની જેમ આ ઍરપોર્ટ પણ રોડ, મેટ્રો અને ટ્રેનથી સીધું જોડાયેલું હોવાથી એ ઇન્ક્લુઝિવ ટ્રાન્સપોર્ટ ટ્રાન્ઝિટ મૉડલ બન્યું છે અને એને કારણે માલવહન ખૂબ સરળ બનશે.
આ ઍરપોર્ટ માટે ૭૦૦૦ ખેડૂતોને ૮૦૧૬ કરોડ રૂપિયાનું વળતર મળ્યું
નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નિર્માણ માટે જેવર ક્ષેત્રમાં કરવામાં આવેલા જમીન અધિગ્રહણની પ્રક્રિયાએ સ્થાનિક ખેડૂતોની કિસ્મત બદલી નાખી છે. અહીં બે તબક્કામાં કુલ ૨૪૨૦ હેક્ટર જમીનનું અધિગ્રહણ થયું છે. એના બદલામાં ૭૦૦૦ ખેડૂત-પરિવારોને કુલ ૮૦૧૬ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.
