બડે-બડે લોગ ભી યહાં કી મછલી દેખને આ રહે હૈં, પાની મેં ડૂબકી લગા રહે હૈં, બિહાર કે ઇલેક્શન મેં ડૂબને કી પ્રૅક્ટિસ કર રહે હૈં
ગઈ કાલે બિહારના સીતામઢીમાં જનસભા સંબોધવા ગયેલા નરેન્દ્ર મોદીને સ્મૃતિચિહ્ન આપતા સ્થાનિક નેતાઓ.
બિહારમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર દરમ્યાન માછલી પકડવા માટે તળાવમાં ડૂબકી લગાવી હતી એ ઘટનાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મજાક ઉડાવી હતી અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે બડે-બડે લોગ ભી યહાં કી મછલી દેખને આ રહે હૈં, પાની મેં ડૂબકી લગા રહે હૈં, બિહાર કે ઇલેક્શન મેં ડૂબને કી પ્રૅક્ટિસ કર રહે હૈં.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં સીતામઢીમાં એક જાહેર રૅલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે બિહાર અન્ય રાજ્યોમાંથી માછલી આયાત કરતું હતું, પરંતુ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકારના શાસનકાળમાં બિહારે અન્ય રાજ્યોમાં માછલી નિકાસ કરવાનું શરૂ કર્યું છે. હવે મોટા-મોટા લોકો પણ અહીં માછલી જોવા માટે આવી રહ્યા છે. મને કહેવામાં આવ્યું કે તેઓ પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે. તેઓ બિહારની ચૂંટણીમાં ડૂબી જવાની પ્રૅક્ટિસ કરી રહ્યા છે.’
રાહુલ ગાંધી આ અઠવાડિયાની શરૂઆતમાં બિહારના બેગુસરાયમાં માછીમાર સમુદાય સાથે વાતચીત કરવા માટે એક કાદવવાળા તળાવમાં કૂદી પડ્યા હતા. માછીમારો રાહુલ ગાંધી સાથે છાતી સુધી ઊંડા પાણીમાં ગયા હતા. એક વિડિયોમાં રાહુલ ગાંધી તળાવની વચ્ચે હોડી લઈને જતા અને પછી એમાં ડૂબકી મારતા દેખાતા હતા. ભૂતપૂર્વ રાજ્યપ્રધાન મુકેશ સાહની પણ રાહુલ ગાંધી સાથે હતા અને તેમણે જાળ પણ ફેંકી હતી. રાહુલ ગાંધી તેમના કૌશલ્યથી પ્રભાવિત થયા હતા.
ADVERTISEMENT
સીતામઢીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?
- પહેલા તબક્કાના મતદાનમાં જંગલરાજ સમર્થકોને ૬૫ વૉલ્ટનો ઝટકો લાગ્યો છે. બિહારના યુવાનોએ વિકાસ અને NDA પસંદ કર્યાં હોવાની વ્યાપક ચર્ચા છે.
- RJDના પ્લૅટફૉર્મ પર નિર્દોષ બાળકોને ગુંડા બનવાની ઇચ્છા વ્યક્ત કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. તેમના ચૂંટણીપ્રચારનાં ગીતો અને સૂત્રો તમને ધ્રુજાવી દેશે. બિહારનું બાળક હવે ગુંડો નહીં બની શકે. આપણાં બાળકો એન્જિનિયર, ડૉક્ટર અને વકીલ બનશે.
- હું જ્યાં પણ જાઉં છું મને એવું લાગે છે કે લોકોને ‘કટ્ટા સરકાર’ નથી જોઈતી, તેમને ફરીથી NDA સરકાર જોઈએ છે. બિહાર ચોક્કસપણે એવી સરકાર ઇચ્છતું નથી જેમાં કટ્ટા, કુશાસન, ક્રૂરતા અને ભ્રષ્ટાચાર હોય.
નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણીને ૯૮મી વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી

દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ગઈ કાલે ૯૮મી વર્ષગાંઠ હતી. આ અવસરે તેમને શુભેચ્છા આપવા માટે નરેન્દ્ર મોદી ગઈ કાલે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે લાલ કૃષ્ણ અડવાણીને ફૂલોનો ગુલદસ્તો ભેટ આપ્યો હતો. આ અવસરને નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દેશ અને પાર્ટીના વિકાસમાં લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને બિરદાવ્યું હતું અને તેમને વિઝનરી સ્ટેટ્સમૅન ગણાવ્યા હતા.


