બ્યુટી-પાર્લર ચલાવતી તેની મહિલા સાગરીત પણ પોલીસના તાબામાં
આરોપી ધનંજય લોખંડે અને મનીષા વાઘમારે.
આખા દેશમાં ખળભળાટ ઊભો કરનારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર-ગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કેસમાં પુણે પોલીસે બુધવારે સવારે કાર્યવાહી કરીને મુખ્ય એજન્ટ ધનંજય લોખંડેની ધરપકડ કરી હતી. પુણેના અહિલ્યાનગર વિસ્તારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ધનંજય લોખંડે ઉપરાંત પોલીસે પાર્લર ચલાવતી એક મહિલાની પણ ધરપકડ કરી હતી. આ પહેલાં મંગળવારે નાશિકથી માસ્ટરમાઇન્ડ શુભમ ખૈરનારની રાજસ્થાન પોલીસે અને નાશિક પોલીસે જૉઇન્ટ ઑપરેશન કરીને ધરપકડ કરી હતી. શુભમ ખૈરનારની ઊલટતપાસ દરમ્યાન ધનંજય લોખંડેનું નામ સામે આવ્યું હતું. આખા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી ત્યાર બાદ મંગળવારે ૪૫થી વધુ લોકોને તાબામાં લઈને પૂછપરછ શરૂ કરી કરી હતી.
પોલીસે જણાવ્યા મુજબ પાર્લર ચલાવતી આરોપી મહિલાનું નામ મનીષા વાઘમારે છે અને તે ધનંજય લોખંડેની મદદગાર હોવાનો તેના પર આરોપ છે. મનીષા વાઘમારે વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને ધનંજય લોખંડે પાસે મોકલતી હોવાનો તેના પર આરોપ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ કેસમાં મહત્ત્વના પુરાવા બહાર પાડવામાં આવ્યા ત્યાર પછી પુણે પોલીસે કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
પોલીસે મનીષા વાઘમારે પાસેથી તેનું લૅપટૉપ અને મોબાઇલ જપ્ત કર્યાં હતાં. બન્નેમાંથી પોલીસને શંકાસ્પદ વૉટ્સઍપ ચૅટ્સ અને કૉલ્સની માહિતી મળી હતી. હાલ આ કેસની તપાસ પુણે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, પરંતુ ટૂંક સમયમાં તેની કસ્ટડી CBIને સોંપવામાં આવે એવી શક્યતા છે.
લાતુરમાં પ્રાઇવેટ ક્લાસિસની પોલીસની તપાસ
એક વિદ્યાર્થીના વાલીએ કરેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં પેપર-લીક કેસનું લાતુર કનેક્શન પણ સામે આવી શકે છે. પોલીસે ફરિયાદ બાદ એક પ્રાઇવેટ ક્લાસિસ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. પોલીસે ક્લાસિસના સંચાલકની ઑફિસના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી હતી અને ૪ જણની પૂછપરછ પણ કરી હતી. પોલીસ આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.
કેસમાં મુખ્ય એજન્ટ ગણાતો ધનંજય લોખંડે મેડિકલ પ્રૅક્ટિશનર
માસ્ટરમાઇન્ડ શુભમ ખૈરનારની ધરપકડ બાદ ધનંજય લોખંડે ફરાર થઈ ગયો હતો. જોકે પછી તેને મોડી રાત્રે પકડી લેવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જણાયું હતું કે ૨૬ વર્ષના ધનંજય લોખંડેએ બે વર્ષ પહેલાં કર્ણાટકના મૅન્ગલોરથી બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી (BAMS)નો અભ્યાસ પૂરો કર્યો હતો અને છેલ્લા અમુક સમયથી તે પુણેના વાઘોલી વિસ્તારમાં પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. તેના પિતા સ્કૂલમાં ક્લર્ક છે અને તેનો ભાઈ ડૉક્ટર હોવાની માહિતી પોલીસે આપી હતી. CBIને શંકા છે કે ભવિષ્યમાં તપાસ દરમ્યાન વધુ ડૉક્ટરો અને એજન્ટોનાં નામ સામે આવી શકે છે. આ દિશામાં તપાસ ચાલી રહી છે.
