Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મૃતદેહોના DNA પ્રોફાઇલ લેવાશે, પરિવારજનો સાથે મૅચ થયા બાદ અવશેષોને બહાર કાઢીને સુપરત કરવામાં આવશે

મૃતદેહોના DNA પ્રોફાઇલ લેવાશે, પરિવારજનો સાથે મૅચ થયા બાદ અવશેષોને બહાર કાઢીને સુપરત કરવામાં આવશે

Published : 31 August, 2026 09:24 AM | Modified : 31 August, 2026 09:25 AM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલમાં મરણાંક વધી જવાથી પરિવારજનોના આવતાં પહેલાં અને ઓળખ કર્યા વિના મૃતદેહોને બૅગમાં ભરીને દફનાવવામાં આવશે

દેવઘાટમાં શબને ટૅગ સાથે એક જ સાઇટ પર દફનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

દેવઘાટમાં શબને ટૅગ સાથે એક જ સાઇટ પર દફનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.


નેપાલમાં આવેલા પૂરમાં બચાવકાર્ય જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ વધુ ને વધુ મૃતદેહો મળી રહ્યા છે અને એમને રાખવા માટે હૉસ્પિટલોમાં જગ્યા ઓછી છે. વળી મૃતદેહોની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે એમને રાખી શકાય એમ ન હોવાથી હવે ઓળખાયા વિનાના મૃતદેહોને દફનાવી દેવામાં આવશે અને એ પહેલાં એના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) લેવામાં આવશે. આ DNA સાચવવામાં આવશે અને પરિવારજનો સાથે તેમના DNA મૅચ થયા બાદ તેમના અવશેષો બહાર કાઢવામાં આવશે. દુર્ઘટનાના પાંચ દિવસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટનાના પાંચમા દિવસે બચાવકર્તાઓએ ગુમ થયેલા અને ફસાયેલા લોકોની શોધ ચાલુ રાખી હતી.

શા માટે દફનવિધિ જરૂરી બની?
ભારતની સરહદે આવેલા અને સૌથી વધુ મૃતદેહો જ્યાંથી મળ્યા છે એ ચિતવનમાં હૉસ્પિટલોમાં જગ્યા અને સુવિધાઓનો અભાવ હોવાથી દફનવિધિ જરૂરી બની છે. સત્તાવાળાઓએ શરૂઆતમાં મૃતદેહોને સંગ્રહિત કરવા માટે કામચલાઉ કૂલિંગ સેન્ટર તરીકે એક ઘરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વધારે મૃતદેહ આવવાથી ચેપનો ભય વધતો ગયો હતો.



DNA, લોકેશન ટૅગ-નંબર
દફનવિધિ પહેલાં અધિકારીઓ દરેક મૃતદેહમાંથી DNA સૅમ્પલો એકઠા કરી રહ્યા છે અને એને એક અનન્ય ઓળખ અને જ્યાંથી મૃતદેહ મળ્યો એ લોકેશન ટૅગ-નંબર આપી રહ્યા છે જેથી સંબંધીઓ DNA મૅચની પુષ્ટિ થયા પછી અવશેષો બહાર કાઢવાની વિનંતી કરી શકે. ૧૦૦થી વધુ મૃતદેહોનું DNA પ્રોફાઇલિંગ થઈ ગયું હતું અને શનિવાર બપોર સુધીમાં એમની દફનવિધિ કરાઈ હતી.


દફનસ્થળ કેવી રીતે તૈયાર થયું? 
મૃતદેહોને રાખવાના ખાડાઓ આશરે ૧.૫ મીટરની ઊંડાઈ સુધી ખોદવામાં આવી રહ્યા છે, જેમાં મૃતદેહો વચ્ચે લગભગ ૪૦ સેન્ટિમીટરનું અંતર રાખવામાં આવ્યું છે જેથી પછીથી ફક્ત મેળ ખાતો મૃતદેહ જ મળી શકે. દરેક કબરને ઓળખ-નંબરવાળી બૅગથી ભરેલી છે અને દરેક સ્થળે એ નંબર દર્શાવતું કૉન્ક્રીટ પ્લૅટફૉર્મ બનાવવામાં આવી રહ્યું છે. દફનસ્થળના વિડિયો, ફોટોગ્રાફી અને ભૂ-ટૅગિંગ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે.

પરિવારો કેવી રીતે ઓળખી શકે? 
ગુમ થયેલા લોકોના પરિવારોને દેશભરની હૉસ્પિટલોમાં DNA નમૂનાઓ સબમિટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક વાર મૅચ મળી જાય પછી નેપાલનો આરોગ્ય વિભાગ તેમને ખોદકામ માટે ચોક્કસ દફનસ્થળ પર નિર્દેશિત કરશે. નેપાલ પોલીસે શોધમાં સંબંધીઓને મદદ કરવા માટે એક સમર્પિત ઑનલાઇન પોર્ટલ પર અજાણી અને દાવો ન કરાયેલી લાશોની વિગતો પણ અપલોડ કરી છે.


ભારતે મૃતદેહોની ઓળખ અને DNA સૅમ્પલિંગ માટે ફૉરેન્સિક ટીમ મોકલી

નેપાલમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં સેંકડો લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો હજી પણ લાપતા છે. આ ભયાનક હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવા અને ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલિંગમાં મદદ કરવા માટે ભારતે પોતાની એક વિશેષ ફૉરેન્સિક ટીમ નેપાલ મોકલી છે. નેપાલના વિદેશપ્રધાન શિશિર ખનાલે જણાવ્યું હતું કે પૂરમાંથી મળેલા ૬૦૦થી વધુ મૃતદેહોની હાલત અત્યંત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે. આ માટે તેમણે ભારત પાસે રૅપિડ DNA વિશ્લેષણ અને ફૉરેન્સિક લૅબોરેટરીની મદદની માગણી કરી હતી. ભારતના વિદેશ-મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી છે કે ભારતની ફૉરેન્સિક ટીમ નેપાલ પહોંચી ગઈ છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નેપાલમાં ભારતના ઍમ્બૅસૅડર નવીન શ્રીવાસ્તવે પણ આ ટીમ સાથે મુલાકાત કરી હતી. ભારતે કાઠમાંડુમાં બચાવ અને રાહત-કામગીરી માટે આવશ્યક સામગ્રી અને ટેક્નિકલ સહાય સાથેની ચોથી રિલીફ ફ્લાઇટ પણ મોકલી આપી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 09:25 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK