નેસ્કો સેન્ટરની કૉન્સર્ટમાં ડ્રગ્સ લેવાને પગલે હૉસ્પિટલમાં ઍડ્મિટ વિદ્યાર્થિની રિકવર થઈ ગઈ
ફાઇલ તસવીર
ગોરેગામના નેસ્કો સેન્ટર ખાતે આયોજિત કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે સારવાર લઈ રહેલી ત્રીજી વિદ્યાર્થિની શીતલ સાળવીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શીતલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં તેના જ ક્લાસમેટે તેને ડ્રગ્સ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
બૉમ્બે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ શીતલ સાળવીએ પોલીસને જણાવ્યું હતું કે ૧૧ એપ્રિલે રાત્રે કૉન્સર્ટ દરમ્યાન તેના ક્લાસમેટ રૌનક ખંડેલવાલે તેને ડ્રગ્સની ગોળી આપી હતી, પણ તેને ઊલટી થઈ જતાં તેનો જીવ બચી ગયો હતો.
ADVERTISEMENT
મુંબઈ પોલીસ આ મામલે અત્યાર સુધી અનેક પાસાંઓની તપાસ કરી રહી છે જેમાં આ કેસમાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થી પ્રતીક પાંડે પર ડ્રગ્સ ઑર્ડર કરવાનો આરોપ છે. જોકે માનવતાના ધોરણે પોલીસે તેને MBAના ફાઇનલ યરની એક્ઝામ આપવાની મંજૂરી આપી છે.
પોલીસે ધરપકડ કરેલા આરોપી આયુષ સાહિત્યની બહેનનું પણ નિવેદન નોંધ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે ઇવેન્ટ દરમ્યાન આરોપી વિનીત ગેરેલાનીએ તેના બૅન્ક-ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.
