બંગાળમાં રૅલી માટે નરેન્દ્ર મોદીને પણ નડ્યું ધુમ્મસ, હેલિકૉપ્ટર ઊતરી ન શકતાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું ઃ આજે આસામમાં કરશે ૧૫,૬૦૦ કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
ગઈ કાલે ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદી અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા.
ગઈ કાલે સવારે પશ્ચિમ બંગાળ પહોંચેલા નરેન્દ્ર મોદી તાહિરપુરમાં રૅલીને સંબોધન કરવાના હતા, પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગયેલી હોવાથી તેમનું હેલિકૉપ્ટર ત્યાં લૅન્ડ થઈ શક્યું નહોતું. ખાસ્સી રાહ જોવા છતાં સ્પષ્ટ વિઝનના અભાવે હેલિકૉપ્ટરને કલકત્તા પાછું ફરવું પડ્યું હતું. રૅલીના સ્થળે પહોંચી શકાય એમ ન લાગતાં આખરે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રૅલીને સંબોધન કર્યું હતું. ખરાબ મોસમને કારણે રૂબરૂ આવી ન શકાયું એ માટે સંબોધનમાં પહેલાં તેમણે માફી માગી હતી.
કલકત્તાથી નરેન્દ્ર મોદી ગઈ કાલે આસામ પહોંચ્યા હતા અને ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નવા ટર્મિનલ-બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બિલ્ડિંગ નેચરથીમ પર બન્યું છે અને આસામની ખાસિયત એવા વાંસ ઉદ્યોગની કારીગરીનું નિરૂપણ એમાં થયું છે. ૧.૪ લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા નવા ટર્મિનલમાં ૧૪૦ મેટ્રિક ટન વાંસ વાપરવામાં આવ્યા છે. ટર્મિનલ પર કાઝીરંગાથી પ્રેરિત ગેંડાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ નવા ઍરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરીને કહ્યું હતું કે ‘પહેલાં પૂર્વોત્તરમાં હિંસા થતી હતી, હવે અહીં 4G અને 5G ટેક્નૉલૉજી પહોંચી રહી છે.’


