દિલ્હીમાં ૩૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતની ઇલેક્ટ્રિક કારને રજિસ્ટ્રેશન અને રોડ-ટૅક્સમાંથી ૧૦૦ ટકા મુક્તિ આપવામાં આવશે
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સાથે કંગના રનૌતે સેલ્ફી લીધો હતો.
રાજધાનીમાં વાહન-પ્રદૂષણને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સરકારની કૅબિનેટે દિલ્હીમાં નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિને મંજૂરી આપી છે. નવી EV નીતિ ૨૦૨૬ની પહેલી જુલાઈથી ૨૦૩૦ની ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે. એ હેઠળ ૨૦૨૮ની પહેલી એપ્રિલથી રાજધાનીમાં ફક્ત નવાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર જ રજિસ્ટર થશે, જેનાથી નવાં પેટ્રોલ ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન અસરકારક રીતે સમાપ્ત થશે. દિલ્હીમાં ૩૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતની ઇલેક્ટ્રિક કારને રજિસ્ટ્રેશન અને રોડ-ટૅક્સમાંથી ૧૦૦ ટકા મુક્તિ આપવામાં આવશે. EVની ખરીદી પર પ્રોત્સાહનો હેઠળ ટૂ-વ્હીલર માટે ૩૦,૦૦૦ રૂપિયા, થ્રી-વ્હીલર માટે ૫૦,૦૦૦ રૂપિયા અને N1 ટ્રક માટે એક લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. જૂનાં વાહનોને સ્ક્રૅપ કરવા પર ૫૦૦૦થી એક લાખ રૂપિયા સુધીનાં પ્રોત્સાહનો આપવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં ૩૦,૦૦૦થી વધુ EV ચાર્જિંગ પૉઇન્ટ વિકસાવવામાં આવશે.
દિલ્હીમાં હવે ૨૦૨૭ની પહેલી જાન્યુઆરીથી ફક્ત નવાં ઇલેક્ટ્રિક ઑટો અને N1 ગુડ્સ કૅરિયર્સનું રજિસ્ટ્રેશન થશે, જ્યારે ૨૦૨૮ની પહેલી એપ્રિલથી ફક્ત નવાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થશે. તમામ પ્રોત્સાહનો ડાયરેક્ટ બૅન્ક ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા લાભાર્થીઓના બૅન્ક-ખાતામાં જમા થશે.
ADVERTISEMENT
અફઘાનિસ્તાનમાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા ટૅલ્કમ પાઉડરનો ઉપયોગ
ટૅલ્કમ પાઉડરના નામે હેરોઇન મગાવતા દિલ્હીના ઉદ્યોગપતિની ધરપકડ, હવાલા મારફત ૭૪ કરોડ મોકલ્યા
અફઘાનિસ્તાનથી ભારતમાં હેરોઇનની દાણચોરી કરવા માટે ટૅલ્કમ પાઉડરના શિપમેન્ટનો ઉપયોગ કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ દિલ્હીસ્થિત ઉદ્યોગપતિ હરપ્રીત સિંહ તલવારની ધરપકડ કરી છે. EDએ જણાવ્યું હતું કે દાણચોરીના રિંગમાંથી મળેલા ૭૪ કરોડ રૂપિયા હવાલા ચૅનલો દ્વારા અફઘાનિસ્તાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને એનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવ્યો હતો. હરપ્રીત સિંહ તલવારે કથિત રીતે વૉન્ટેડ આરોપી રાજુ દુબઈના નેતૃત્વ હેઠળની સિન્ડિકેટ સાથે કાવતરું ઘડ્યું હતું, જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)નો પણ સમાવેશ થતો હતો. હરપ્રીત સિંહ તલવારની ૨૪ જૂને ધરપકડ કરવામાં આવી હતી અને તેને નવી દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કરાચી હુમલાનો બદલો લેવા પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી ઍર-સ્ટ્રાઇક : ૩૫ નાગરિકોએ જીવ ગુમાવ્યો, ૧૦૦થી વધુ ઘાયલ
કરાચીમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાને રવિવારની મધરાત પછી ૧૨.૩૦ વાગ્યે ૩ અફઘાન પ્રાંતો પર ઍર-સ્ટ્રાઇક કરી હતી જેમાં ૩૫ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૦૦થી વધારે ઘાયલ થયા હતા. જીવ ગુમાવનારા લોકોમાં ચારથી ૯ વર્ષનાં બાળકો અને ઘણા વૃદ્ધોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની ઍર ફોર્સે ઘરો અને મસ્જિદોને નિશાન બનાવ્યાં હતાં. પહેલા હુમલા પછી લોકો પીડિતોને મદદ કરવા દોડી આવ્યા ત્યારે પાકિસ્તાને ફરી એક વાર રાત્રે ૧૨.૫૫ વાગ્યે નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આતંકવાદી છાવણીઓને બદલે પાકિસ્તાન નાગરિકોનાં ઘરો, હૉસ્પિટલો અને સ્કૂલો પર હુમલાઓ કરે છે. છેલ્લા ૯ મહિનામાં પાકિસ્તાની ઍર ફોર્સે ૫૬૫ અફઘાન નાગરિકોને મારી નાખ્યા છે.
જર્મનીના સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ લોકોનાં થયા મોત
ઉત્તરી જર્મનીના સ્ટેડ શહેરમાં સોમવારે થયેલા એક ભયાનક ગોળીબારમાં આશરે પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ હિંસક ઘટના બાદ સ્થાનિક પોલીસે તરત જ મોટું ઑપરેશન હાથ ધરીને એક મુખ્ય શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. આ સિવાય અન્ય એક શંકાસ્પદ વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે. જોકે આ ગુનામાં તેની ભૂમિકા શું હતી એ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે જણાવ્યું છે કે હાલમાં કોઈ અન્ય શંકાસ્પદ ફરાર નથી અને આમ જનતા માટે હવે કોઈ ખતરો નથી.
યુરોપની ગરમીમાં રોડ-ટ્રાફિક સિગ્નલ ઓગળી ગયાં, ટ્રેનના પાટા વળી ગયા

અતિશય ગરમીને કારણે યુરોપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખોરવાઈ ગયું છે. કાળઝાળ તાપને લીધે ડામરના રોડ પીગળવા લાગ્યા છે અને ટ્રેન તથા ટ્રામના પાટા વળી ગયા છે. ઍર-કન્ડિશનરના ભારે વપરાશથી પાવર ગ્રિડ પર દબાણ વધ્યું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં પૅરિસમાં પ્રાઇડ માર્ચ સહિતના અનેક મોટા જાહેર કાર્યક્રમો અને નેધરલૅન્ડ્સનો પ્રખ્યાત મ્યુઝિક ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોના મતે ક્લાઇમેટ ચેન્જને લીધે યુરોપ વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યું છે. લોકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા, હાઇડ્રેટેડ રહેવા અને વૃદ્ધોની સંભાળ રાખવાની અપીલ કરવામાં આવી છે.
