Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ફાઇનલની ટિકિટ ૧૦-૧૨ હજાર રૂપિયામાં વેચતા ૩ જણ ઝડપાયા

ન્યૂઝ શોર્ટમાં: ફાઇનલની ટિકિટ ૧૦-૧૨ હજાર રૂપિયામાં વેચતા ૩ જણ ઝડપાયા

Published : 08 March, 2026 07:17 AM | Modified : 08 March, 2026 07:59 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે અગાઉથી ઑનલાઇન ટિકિટ ખરીદી હતી અને ત્રણગણા ભાવ વસૂલીને ૧૦,૦૦૦ રૂપિયામાં બ્લૅકમાં ટિકિટ વેચતા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


T20 વર્લ્ડ કપની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચમાં ભારત આવ્યું હોવાથી અમદાવાદમાં મૅચ જોવા માટે ભારે ધસારો થયો હોવાથી બ્લૅકમાં ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયામાં ટિકિટ વેચતા ત્રણ લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અમદાવાદના આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા બસ-સ્ટૅન્ડ પાસે મૅચની ટિકિટના કાળાબજાર કરતા બે લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરીને તેમની તપાસ કરતાં તેમની પાસેથી ૮ ટિકિટ મળી આવી હતી. તેમણે અગાઉથી ઑનલાઇન ટિકિટ ખરીદી હતી અને ત્રણગણા ભાવ વસૂલીને ૧૦,૦૦૦ રૂપિયામાં બ્લૅકમાં ટિકિટ વેચતા હતા.  બીજી તરફ સાબરમતી પોલીસે ઑનલાઇન ૨૦૦૦ રૂપિયામાં ટિકિટ ખરીદીને ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયામાં બ્લૅકમાં ટિકિટ વેચતા એક જણને અચેર ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી ૨૦૦૦ રૂપિયાની ૮ ટિકિટ મળી આવી હતી.  

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર અને બાઇક-રૅલી યોજાઈ ભોપાલમાં




મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક કાર-રૅલીનું આયોજન થયું હતું. એમાં મહિલાઓની પચીસ ટીમો કારને વિવિધ થીમથી સજાવીને ભાગ લેવા આવી હતી. કોઈકે વિમેન એમ્પાવરમેન્ટનું સેલિબ્રેશન કર્યું હતું તો કોઈક ઍસ્ટ્રોનૉટ બનીને આવી હતી. ગઈ કાલે ભોપાલથી એક બાઇક-રૅલી પણ નીકળી હતી જેમાં મહિલાઓ ૭ દિવસમાં મધ્ય પ્રદેશનાં ટૂરિસ્ટ-પ્લેસોને આવરતી ૧૪૦૦ કિલોમીટરની યાત્રા કરશે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે બાઇક-ટૂરને લીલી ઝંડી આપી હતી.

અમેરિકામાં મિશિગન અને ઓક્લાહોમા રાજ્યમાં વાવાઝોડાએ ૬ જણનો જીવ લીધો


અમેરિકા ઈરાન પર ત્રાટકી રહ્યું છે ત્યારે કુદરતનો કેર અમેરિકાના કેટલાક વિસ્તારોને ધમરોળી રહ્યો છે. શુક્રવારે અમેરિકાના ખરાબ મોસમને કારણે ટેક્સસથી મિશિગન સુધીના ૧૫૦૦ માઇલના વિસ્તારમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. જબરદસ્ત વાવાઝોડાને કારણે વીજળીના અનેક થાંભલા તૂટી પડતાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને ઘરોનાં છાપરાં ઊડી ગયાં હતાં. મિશિગનમાં ચાર અને ઓક્લાહોમામાં બે એમ કુલ છ જણના જીવ ગયા હતા. ભયંકર વાવાઝોડાને કારણે ઘરો, રસ્તાઓ, વૃક્ષો અને કારને નુકસાન થયું છે એને કારણે લગભગ છ લાખ લોકો પ્રભાવિત થયા હતા.

આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી  મુલુંડ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૧.૨૦ વાગ્યાથી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. જ્યારે હાર્બર લાઇનમાં કુર્લાથી વાશી દરમ્યાન સવારે ૧૧.૧૦થી લઈને સાંજના ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા અને વાશીથી પનવેલ વચ્ચે કેટલીક ટ્રેનો દોડાવવામાં આવશે. વેસ્ટર્ન લાઇનમાં આજે દિવસના સમયે બ્લૉક નથી.

સબ સલામત

વર્સોવા સાત બંગલા વિસ્તારમાં એક ઇમારત રીડેવલપમેન્ટ માટે ખાલી કરવામાં આવી હતી. એ બિલ્ડિંગ ડિમોલિશ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગઈ કાલે એનો ટેરેસ પરનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે લોકોમાં પહેલાં ભય વ્યાપી ગયો હતો. જોકે એ આખી ઇમારત ખાલી હતી, આ ઘટનામાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયું નથી.

મહિલા દિવસ નિમિત્તે મેટ્રો 3 પર બે સ્ટેશન મહિલા સ્ટાફ સંભાળશે

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC) દ્વારા આજે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેટ્રો ૩ પરનાં બે સ્ટેશનો સંપૂર્ણપણે મહિલા સ્ટાફ સાથે ચલાવવામાં આવશે. શનિવારે ઇશ્યુ કરવામાં આવેલા એક નિવેદનમાં MMRCએ જણાવ્યું હતું કે આ પહેલ હેઠળ મરોલ નાકા મેટ્રો સ્ટેશન અને CSMT મેટ્રો સ્ટેશન પર મહિલા સશક્તીકરણના પ્રતીક તરીકે દિવસભર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કુલ ૮૫ મહિલા વિવિધ શિફ્ટમાં સ્ટેશન કન્ટ્રોલ, ટિકિટિંગ, મુસાફરોની સહાય, સુરક્ષા, મેઇન્ટેનન્સ અને હાઉસકીપિંગ સહિત વિવિધ કાર્યકારી ભૂમિકાઓનું સંચાલન કરશે. કૉર્પોરેશન પાસે હાલમાં ૨૭ મહિલા ટ્રેન-ઑપરેટરો છે જેઓ મેટ્ો ૩ એટલે કે ઍક્વાલાઇન પર મુખ્ય ભૂમિકા ભજવે છે. એકંદરે ૧૩૮૮ મહિલા કર્મચારીઓ MMRC સાથે સંકળાયેલી છે. એમાં ઑફિસ-સ્ટાફ તેમ જ ઑપરેશન્સ, ટિકિટિંગ, હાઉસકીપિંગ અને સુરક્ષા સર્વિસિસ કામ કરતી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ રીતનાં ટૉઇલેટ બનાવનારને શોધીને ઇનામ આપવું જોઈએ

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)માં ૪ લેનનો ફ્લાયઓવર આગળ બે લેનનો થઈ જાય છે એ છબરડો તાજો જ છે ત્યાં બીજો છબરડો MBMCમાં બહાર આવ્યો છે. સોશ્યલ મીડિયામાં ફરી રહેલી એક ક્લિપમાં દેખાય છે કે ભાઈંદર-ઈસ્ટના RNP પાર્કમાં બનાવાયેલા જાહેર શૌચાલયમાં ઇન્ડિયન સ્ટાઇલનાં ચાર ટૉઇલેટ એક જ લાઇનમાં બેસાડવામાં આવ્યાં છે. નવાઈની વાત એ છે કે એની વચ્ચે કોઈ અંતર છોડવામાં નથી આવ્યું એટલું જ નહીં, એમની વચ્ચે કોઈ પાર્ટિશન કે દીવાલ પણ નથી. આમ ટૉઇલટ બનાવનારે પ્રાઇવસી રાખી નથી. 

આજે અને આવતી કાલે તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે

હવામાન ખાતાએ આવતી કાલે સોમવારે ૯ માર્ચ માટે મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગડમાં ગરમ ​​અને ભેજવાળી હવામાનની સ્થિતિ માટે યલો અલર્ટ ઇશ્યુ કરી છે. આ સમયગાળા દરમિયાન દિવસનું તાપમાન વધારે વધવાની ધારણા છે અને ભેજનું સ્તર વધવાની સાથે પારો ૨-૩ ડિગ્રી વધીને ૩૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં મૅક્સિમમ ૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે કોલાબામાં ૩૧.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રવિવારે અને સોમવારે તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 07:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK