ઘટનાના એક દિવસ પછી રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન સદ્દામ વઝીર અલી ખાન તરીકે ઓળખાતી એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી
સર્ચ ઓપરેશન
મુંબઈના કુર્લા-વેસ્ટના અશોકનગર વિસ્તારમાં બુધવારે થયેલા ભૂસ્ખલનની ઘટનામાં ગુરુવારે અેના કાટમાળમાંથી ૨૮ વર્ષની વ્યક્તિનો મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને ૮ થયો હતો. ઘટનાના એક દિવસ પછી રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન સદ્દામ વઝીર અલી ખાન તરીકે ઓળખાતી એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એ પછી શોધ અને બચાવકામગીરી બંધ કરવામાં આવી હતી.બીજા દિવસે ચાલેલા રેસ્ક્યુ-ઑપરેશન દરમ્યાન નૅશનલ ડિઝેસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના કર્મચારીઓએ અસરગ્રસ્ત રહેવાસીઓની ઘણી કીમતી વસ્તુઓ શોધી હતી જેમાં પૉલિથિન બૅગમાં લપેટેલી રોકડ રકમ, ઘડિયાળો, મોબાઇલ ફોન અને પૅન અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ પોલીસને સોંપવામાં આવી છે. .
૧,૨૫,૦૦૦ રુદ્રાક્ષનું ભવ્ય શિવલિંગ સુરતમાં
ADVERTISEMENT

સુરતના કંથેરિયા હનુમાન મંદિરના પ્રાંગણમાં ૧,૨૫,૦૦૦ રુદ્રાક્ષથી એક વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. માત્ર રુદ્રાક્ષની ગોઠવણીથી જ બનેલું આ જાયન્ટ શિવલિંગ દસ ફુટથી ઊંચું છે. આ શિવલિંગ પંદર દિવસથી આકાર લઈ રહ્યું હતું અને શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ એ લોકોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે.
ભાયખલાના બાવીસ માળના બિલ્ડિંગમાં આગ, સબ સલામત
ભાયખલામાં આવેલા બાવીસ માળના એલ્વિન ટાવરમાં ગુરુવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયરબ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત-બચાવકામગીરી શરૂ કરી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ કે કોઈને ઈજા નથી થઈ.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટના મદનપુરા વિસ્તારમાં નાગોરી નર્સિંગ હોમની સામે આવેલા એલ્વિન ટાવરની B વિંગમાં બની હતી. બપોરે ૧૨.૨૪ વાગ્યે આ બિલ્ડિંગના પહેલા માળે મીટર-કૅબિનમાં અચાનક આગ લાગી હતી. આગ થોડા જ સમયમાં ઓલવી દેવાઈ હતી. એમાં જાનમાલનું કોઈ નુકસાન થયું નહોતું.
તાજ લૅન્ડ્સ એન્ડે ભરવાનો નીકળતો પ્રૉપર્ટી ટૅક્સ વધીને ૧૦૩+ કરોડ થઈ ગયો: BMCએ પેન્ડિંગ ટૅક્સ પર ૫.૫૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
તાતા ગ્રુપની માલિકીની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે અેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી તાજ લૅન્ડ્સ એન્ડ, મુંબઈ માટે પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સ પર ૫.૫૧ કરોડ રૂપિયાથી વધુના દંડનો દાવો મળ્યો છે જેનાથી કુલ રકમ ૧૦૩.૦૮ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. દેશની સૌથી મોટી હૉસ્પિટલિટી કંપનીએ જણાવ્યું હતું કે અમને અમારી પ્રૉપર્ટી તાજ લૅન્ડ્સ એન્ડ માટે ૫,૫૧,૩૫,૯૭૨ રૂપિયાના દંડનો વધારાનો દાવો મળ્યો છે જે ૨૦૨૬-’૨૭ માટે પ્રૉપર્ટી ટૅક્સ બિલમાં દર્શાવવામાં આવ્યો છે. પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સ પર કુલ દંડની રકમ (પહેલાંના દંડના દાવા સહિત) હવે ૧૦૩,૦૮,૩૧,૩૧૨ રૂપિયા થઈ છે. કંપનીએ કહ્યું છે કે અમારા દ્વારા કોઈ ઉલ્લંઘન થયું નથી અને કંપની દ્વારા બિલનો વિવાદ ચાલી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ૧.૮ કરોડ મતદારોનાં નામ કમી થવાની શક્યતા, એકલા મુંબઈમાંથી ૩૦ લાખ નામો ઘટશે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના ભાગરૂપે ૨૪ ઑગસ્ટે પ્રકાશિત થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી અંદાજે ૧.૮ કરોડ જેટલા મતદારોનાં નામ રદ થવાની સંભાવના છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી કમી થનારાં આ ૧.૮ કરોડ નામોમાં સૌથી વધુ સંખ્યા મુંબઈની છે, જ્યાંથી અંદાજે ૩૦ લાખ નામો એટલે કે કુલ મતદારોના લગભગ ૨૯ ટકા નામ કમી થઈ શકે છે. રાજ્યમાં કુલ ૯.૭૮ કરોડ મતદારો છે.
ગટારી પછી BMCના હેડક્વૉર્ટરના પરિસરમાં દારૂની બાટલીઓ મળી
શ્રાવણ માસ ગઈ કાલથી ચાલુ થયો ત્યારે ઘણા લોકો ધાર્મિક આસ્થા સાથે એ પાળતા હોય છે. એવું કહેવાય છે શ્રાવણ માસ શરૂ થાય એ પહેલાંના અમાસના દિવસે ગમતી વસ્તુ કરી લેવાની ઇચ્છા જોર પકડે છે અને લોકો એનો બની શકે એટલો ઉપભોગ કરી લે છે. મહારાષ્ટ્રમાં દારૂ પીનારાઓમાં અષાઢી અમાસ ગટારીના નામે પણ ઓળખાય છે. એ દિવસે દારૂ પીનારા દારૂ ઢીંચીને ટાઇટ થઈ જતા હોય છે. એવામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટરના ઍડ્મિનિસ્ટ્રેશન બિલ્ડિંગના ખુલ્લા પરિસરમાં ગઈ કાલે સવારે સફાઈ કરતી વખતે દારૂની બાટલીઓ મળી આવી હતી. એને કારણે BMCની સિક્યૉરિટી સામે સવાલ ઊભા થયા હતા. એ દારૂની બાટલીઓનો વિડિયો પણ વાઇરલ થતાં BMCની સિક્યૉરિટીની હાંસી ઉડાવાઈ રહી હતી અને BMCને નીચાજોણું થયું હતું. BMCના એ ભાગમાં ગટારી પાર્ટીની ઉજવણી થઈ હોવાનું જણાઈ રહ્યું હતું.
