નૅશનલ હાઇવે પર ટૉઇલેટ ક્લીન રાખવા માટે સરકારે ચૅલેન્જ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ નૅશનલ હાઇવે પર ટૉઇલેટ સાફ રહે એ માટે ‘ક્લીન ટૉઇલેટ પિક્ચર ચૅલેન્જ’ શરૂ કરી છે. આ ચૅલેન્જમાં લોકો નૅશનલ હાઇવે પર આવેલાં ટૉઇલેટ્સ જો ગંદાં હોય તો એનો ફોટા પાડીને ૧૦૦૦ રૂપિયા જીતી શકે છે. લોકોએ ગંદા ટૉઇલેટનો ફોટો જરૂરી માહિતી સાથે NHAIને મોકલી આપવાનો રહેશે. ઇનામરૂપે ૧૦૦૦ રૂપિયા ફોટો મોકલનારી વ્યક્તિની કારના ફાસ્ટૅગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. ઇનામની આ રકમ નૉન-ટ્રાન્સફરેબલ રહેશે અને રોકડમાં મેળવી શકાશે નહીં. ‘સ્પેશ્યલ કૅમ્પેન ૫.૦’ હેઠળની આ ‘ક્લીન ટૉઇલેટ પિક્ચર ચૅલેન્જ’ ૩૧ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
આ રીતે જીતી શકાશે ચૅલેન્જ
‘રાજમાર્ગયાત્રા’ ઍપ પર જીઓ-ટૅગ કરીને ગંદા ટૉઇલેટનો ફોટો અપલોડ કરવાનો રહેશે. સાથે યુઝર નેમ, લોકેશન, વેહિકલ રજિસ્ટ્રેશન નંબર (VRN) અને મોબાઇલ નંબર જેવી વિગતો આપવાની રહેશે. આ ચૅલેન્જ ફક્ત NHAI હેઠળ બાંધવામાં આવેલાં, સંચાલિત અથવા NHAI જેની જાળવણી કરતું હોય એવાં ટૉઇલેટ્સને જ લાગુ પડશે. રીટેલ ફ્યુઅલ સ્ટેશનો, ઢાબાઓ અથવા NHAIના નિયંત્રણ હેઠળ ન હોય એવાં ટૉઇલેટ્સનો સમાવેશ આ ચૅલેન્જમાં થશે નહીં. એક VRN એક જ વાર ઇનામ મેળવવા માટે એલિજિબલ થશે.
ADVERTISEMENT
આ નિયમો પણ જાણી લો
નૅશનલ હાઇવેના કોઈ એક ટૉઇલેટ માટે દિવસમાં ફક્ત એક જ વાર ફોટો માન્ય રખાશે. એક જ લોકેશન માટે જો એક જ દિવસે ઘણીબધી ફરિયાદ આવશે તો સૌથી પહેલી ફરિયાદ જ માન્ય રાખવામાં આવશે. રાજમાર્ગયાત્રા ઍપ દ્વારા કૅપ્ચર કરાયેલા સ્પષ્ટ, જીઓ-ટૅગ કરેલા અને ટાઇમ સ્ટૅમ્પવાળા ફોટો જ ધ્યાનમાં લેવામાં આવશે. કોઈ પણ ફેરફાર કરાયેલા, ડુપ્લિકેટ અથવા અગાઉ રિપોર્ટ થયા હોય એવા ફોટો રિજેક્ટ કરવામાં આવશે.

