ગણતંત્ર દિવસની પરેડ માટે કડક સુરક્ષા-વ્યવસ્થા, ઇન્ટેલિજન્સનો જબરદસ્ત ઉપયોગ
ગઈ કાલે દિલ્હી પોલીસના જવાનોએ AI-આધારિત ચશ્માં ટ્રાય કરી જોયાં હતાં.
રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડને લઈને સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે દિલ્હી પોલીસના ૧૦,૦૦૦થી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે જે દિલ્હી શહેર અને કર્તવ્યપથના ખૂણેખૂણા પર સ્પેશ્યલ ચશ્માં પહેરીને નજર રાખશે. આ ચશ્માંમાં ૬૫,૦૦૦ ગુનેગારોનો ડેટા ફીડ કરેલો છે. જો તેમની નજર સામેથી કોઈ પણ અપરાધી પસાર થયો તો તે બચી નહીં શકે.
આ ચશ્માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ ધરાવે છે. એમાં એક કૅમેરા લગાવેલો છે અને ૬૫,૦૦૦થી વધુ અપરાધીઓનો ડેટા પણ ફીડ છે. આ ચશ્માં એક ખાસ ઍપના માધ્યમથી પોલીસો પોતાના મોબાઇલ સાથે કનેક્ટ કરીને રાખશે. બસ, એ પછી કોઈ પણ પોલીસની નજરની સામેથી જો કોઈ ગુનાહિત ઇતિહાસવાળો અપરાધી પસાર થયો તો કૅમેરાની ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS)ના માધ્યમથી તેની ઓળખ તરત જ થઈ જશે.


