Operation Black Forest: છત્તીસગઢમાં 1.5 કરોડ રૂપિયાના ઈનામવાળા નક્સલીઓ સહિત 27 નક્સલીઓની હત્યા અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 3 દાયકામાં આ પહેલી વાર છે જ્યારે આટલો મોટો નક્સલી નેતા માર્યો ગયો છે.
અમિત શાહ (ફાઇલ તસવીર સૌજન્ય: એજન્સી)
છત્તીસગઢમાં 1.5 કરોડ રૂપિયાના ઈનામવાળા નક્સલીઓ સહિત 27 નક્સલીઓની હત્યા અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 3 દાયકામાં આ પહેલી વાર છે જ્યારે આટલો મોટો નક્સલી નેતા માર્યો ગયો છે. ગૃહમંત્રીએ કહ્યું કે નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ નક્સલ ચળવળનો મુખ્ય હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર-દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક અગ્રણી નક્સલી નેતા બસવરાજુ સહિત 27 નક્સલીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે આ ઑપરેશનને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી સફળતા ગણાવી. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
ADVERTISEMENT
ગૃહમંત્રીએ કહ્યું, `નક્સલવાદ સામેની લડાઈમાં આ એક ઐતિહાસિક સફળતા છે.` આજે, છત્તીસગઢના નારાયણપુરમાં એક કાર્યવાહીમાં, આપણા સુરક્ષા દળોએ 27 ખતરનાક માઓવાદીઓને મારી નાખ્યા, જેમાં સીપીઆઈ-માઓવાદીના સૌથી મોટા નેતા અને નક્સલવાદી ચળવળનો મૂળ નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુનો પણ સમાવેશ થાય છે.
શાહે વધુમાં કહ્યું, `નક્સલવાદ સામેના ત્રણ દાયકાથી ચાલી રહેલા સંઘર્ષમાં આ પહેલી વાર છે જ્યારે સુરક્ષા દળો દ્વારા મહાસચિવ સ્તરના નેતાની હત્યા કરવામાં આવી હોય. આ મોટી સફળતા માટે હું આપણા સુરક્ષા દળો અને એજન્સીઓને અભિનંદન આપું છું. ગૃહમંત્રીએ કહ્યું કે ઑપરેશન બ્લૅક ફૉરેસ્ટ પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 54 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને 84 લોકોએ આત્મસમર્પણ કર્યું છે.`
ઑપરેશન બ્લૅક ફૉરેસ્ટમાં ૨૭ નક્સલીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, જેમાં બસવ રાજુનો પણ સમાવેશ થાય છે. બસવ રાજુને, નંબલ્લા કેશવ રાવ, કૃષ્ણ, વિનય, ગંગન્ના, બસવરાજ, પ્રકાશ, વિજય, કેશવ, બીઆર, ઉમેશ, રાજુ, દારાપુ નરસિંહા રેડ્ડી અને નરસિંહા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તે શ્રીકાકુલમ આંધ્રપ્રદેશ રાજ્યના કોટાબોમ્મલીના જિયાનાપેટનો રહેવાસી હતો. તે 2018થી સીપીઆઈ માઓવાદીનો મહાસચિવ હતો. તે સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. બસવરાજ એનઆઈએના બે કેસમાં પણ વૉન્ટેડ હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી - એનઆઈએ (National Investigation Agency - NIA)એ 2012 અને 2019માં બસવરાજ વિરુદ્ધ બે FIR નોંધી હતી. 2019ની ઘટનામાં, IED વિસ્ફોટ દ્વારા પાંચ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અબુઝહમાડ વિસ્તારમાં સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના અબુઝહમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં નક્સલીઓની હાજરીની માહિતી પર, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં આવી હતી.

