NEET-UG પેપર-લીક કાંડને પગલે એક્ઝામ રદ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ જ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે
સુપ્રીમ કોર્ટ
NEET-UG પેપર-લીક કાંડને પગલે એક્ઝામ રદ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ જ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. મેડિકલ બૉડી ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા અસોસિએશન્સ (FAIMA)એ સુપ્રીમ કોર્ટમાં નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં ધરખમ સુધારાની માગણી કરતી અરજી દાખલ કરી છે. અરજીમાં NTAના સ્થાને અન્ય સંસ્થાની નિમણૂક કરવાની અથવા એની સંપૂર્ણપણે પુન: રચના કરવાની માગણી કરવામાં આવી છે.
અરજીમાં રી-એક્ઝામ કોર્ટની દેખરેખ હેઠળ યોજવાની, ડિજિટલ સિક્યૉરિટી સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની તેમ જ એક્ઝામની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની માગણી પણ કરવામાં આવી છે. આખી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળની પૅનલ તેમ જ સાઇબર સિક્યૉરિટી અને ફૉરેન્સિક એક્સપર્ટ્સની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
શુભમ ખૈરનારને ટ્રાન્ઝિટ રિમાન્ડ : CBI દિલ્હી લઈ જશે
આરોપી શુભમ ખૈરનારને મુંબઈ કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ આપતાં CBI તેને દિલ્હી લઈ જશે. શુભમ ખૈરનારને બુધવારે CBI દ્વારા મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. શુભમ ખૈરનારની નાશિકથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને પેપર-લીક કૌભાંડનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પૂરા થયા બાદ તેને દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ કેસમાં અન્ય કોણ સંડોવાયેલા છે એ જાણવા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે.
