પાંચમી ઑગસ્ટે મોંઘવારીના વિરોધમાં દેખાવો દરમ્યાન કાળાં વસ્ત્રો પહેરવા બદલ કૉન્ગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલા કર્યા હતા. પાંચમી ઑગસ્ટે મોંઘવારીના વિરોધમાં દેખાવો દરમ્યાન કાળાં વસ્ત્રો પહેરવા બદલ કૉન્ગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘બ્લૅક-મૅજિક’માં માનનારાઓ લોકોનો વિશ્વાસ ફરી ક્યારેય જીતી નહીં શકે.
મોદીએ કહ્યું હતું કે ‘પાંચમી ઑગસ્ટે આપણે કેટલાક લોકોને ‘બ્લૅક-મૅજિક’ ફેલાવવાની કોશિશ કરતા જોયા હતા. આ લોકો વિચારે છે કે કાળાં વસ્ત્રો પહેરવાથી તેઓ તેમની હતાશાનો અંત લાવી શકે છે. જોકે તેઓ જાણતા નથી કે બ્લૅક-મૅજિક અને અંધશ્રદ્ધાથી તેઓ લોકોનો વિશ્વાસ ફરી જીતી નહીં શકે.’ નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસે પાંચમી ઑગસ્ટે સંસદમાં અને સડક પર બ્લૅક વસ્ત્રો પહેરીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલો કરતાં તેમણે વધુ એક વખત રેવડી કલ્ચરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘જે લોકોનું રાજકારણ સ્વકેન્દ્રિત છે તેઓ પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં વહેંચવાની જાહેરાત કરી શકે છે. આવું પગલું દેશનાં બાળકોનું ભવિષ્ય છીનવી લેશે.’

