હવે SREI ગ્રુપની બે કંપનીઓએ કરી ૨૪૩૪ કરોડની છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર
જાહેર ક્ષેત્રની પંજાબ નૅશનલ બૅન્ક (PNB)એ શુક્રવારે સાંજે શૅરમાર્કેટ બંધ થયા બાદ બૅન્કિંગ નિયમનકાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ને માહિતી આપી હતી કે SREI ગ્રુપની બે કંપનીઓ SREI ઇક્વિપમેન્ટ ફાઇનૅન્સ લિમિટેડ (SEFL) અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનૅન્સ લિમિટેડ (SIFL)ના ભૂતપૂર્વ પ્રમોટરોએ બૅન્ક સાથે ૨૪૩૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી પછી બે ફાઇનૅન્સ કંપનીઓએ હવે PNB સાથે લોન-છેતરપિંડી કરી છે. હવે સોમવારે શૅરબજારમાં PNBનો શૅર ફોકસમાં રહેશે.
PNBએ RBIને એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે SEFLના ભૂતપૂર્વ પ્રમોટરોએ ૧૨૪૦.૯૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને SIFLએ ૧૧૯૩.૦૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે બૅન્કે એની ફાઇલિંગમાં સ્પષ્ટતા કરી હતી કે આનાથી એના નાણાકીય ક્ષેત્ર પર કોઈ અસર પડશે નહીં, કારણ કે એણે પહેલાંથી જ સંપૂર્ણ બાકી રકમ માટે ૧૦૦ ટકાની જોગવાઈ કરી લીધી છે.
ADVERTISEMENT
ઑક્ટોબર ૨૦૨૧માં RBIએ SIFL અને એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની SEFLના બોર્ડને રદ કર્યાં હતાં. કલકત્તા સ્થિત કનોરિયા પરિવાર અગાઉ SIFL અને SEFL બન્ને પર નિયંત્રણ રાખતો હતો. RBIએ કથિત ગેરવહીવટને કારણે તેમનાં બોર્ડને રદ કર્યાં અને ત્યાર બાદ ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (IBC) હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી.
બન્ને કંપનીઓ પર ૩૨,૭૦૦ કરોડનું દેવું
બન્ને કંપનીઓ પર કુલ ૩૨,૭૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું જે ચૂકવવામાં આવ્યું નહોતું જેને કારણે IBC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૨૩માં તેમને નવા પ્રમોટર, નૅશનલ ઍસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. SREI ગ્રુપ ૧૯૮૯માં ઍસેટ ફાઇનૅન્સિંગ NBFC તરીકે શરૂ થયું હતું જેમાં હેમંત કનોરિયા SIFLના મુખ્ય ચહેરા હતા.
બૅન્કની NPA કેટલી છે?
PNBએ ૧૫ ડિસેમ્બરે એક અલગ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે બૅન્કની કુલ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) ૪૭,૫૮૨ કરોડથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે ૪૦,૩૪૩ કરોડ રૂપિયા થઈ હતી.


