લેફ્ટનન્ટ કર્નલ શર્માની સાથે આ કેસમાં તેમની પત્ની કર્નલ કાજલ બાલી સામે પણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે
૩ લાખ રૂપિયા
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ પ્રોડક્શન (DDP)માં તહેનાત લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર શર્માની ૩ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરી છે. લેફ્ટનન્ટ કર્નલ શર્માને ૩ લાખની લાંચ આપનાર વિનોદ કુમાર નામના માણસની પણ ધરપકડ થઈ છે. બન્ને આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ કર્નલ શર્માની સાથે આ કેસમાં તેમની પત્ની કર્નલ કાજલ બાલી સામે પણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. કર્નલ કાજલ બાલી રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 16 ઇન્ફન્ટ્રી ડિવિઝન ઑર્ડનન્સ યુનિટનાં કમાન્ડિંગ ઑફિસર તરીકે તહેનાત છે. CBIએ લેફ્ટનન્ટ કર્નલ શર્માના દિલ્હીના ઘરમાંથી ૨.૨૩ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. કાજલના શ્રી ગંગાનગરના ઘરમાંથી ૧૦ લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ કર્નલ શર્મા પર સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદન અને નિકાસમાં સામેલ ખાનગી કંપનીઓ સાથે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ છે.
ADVERTISEMENT
તપાસ-એજન્સીને જાણવા મળ્યું કે બૅન્ગલોરસ્થિત એક કંપનીના પ્રતિનિધિઓ રાજીવ યાદવ અને રણજિત સિંહ લેફ્ટનન્ટ કર્નલના સંપર્કમાં હતા. ૧૮ ડિસેમ્બરે કંપની વતી વિનોદ કુમારે શર્માને ૩ લાખ રૂપિયાની લાંચ આપી ત્યારે CBIએ વિનોદની સાથે તેમને પકડી લીધા હતા. કોર્ટે બન્નેને ૨૩ ડિસેમ્બર સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. એજન્સી આ રૅકેટ સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓ અને કંપનીઓની શોધ કરી રહી છે.


