અમે પાકિસ્તાનનો ભાગ નથી... અમને પાકિસ્તાનની જરૂર નથી
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના રાવલાકોટમાં રસ્તા પર ઊતરી આવેલી જનતા.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ના રાવલાકોટમાં ઇસ્લામાબાદના શાસન વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન મંગળવારે બાવીસમા દિવસમાં પ્રવેશ્યું હતું. ઈદગાહ મેદાનમાં આયોજિત રૅલીમાં હજારો પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની તંત્ર સામે મોરચો માંડ્યો છે. આંદોલનના અગ્રણી નેતા અને નાગરિક અધિકાર કાર્યકર્તા સરદાર અમન ખાને સભાને સંબોધતાં સ્પષ્ટ કર્યું કે આ પ્રદેશ પાકિસ્તાનનો ભાગ નથી, અમને પાકિસ્તાનની જરૂર નથી, ઊલટાનું પાકિસ્તાનને અમારી જરૂર છે. તેણે ચીમકી આપી હતી કે જો પાકિસ્તાન દ્વારા અન્ન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલો પ્રતિબંધ ચાલુ રહેશે તો અહીંના લોકો મદદ માટે ભારત તરફ નજર દોડાવશે અને ભારત સાથે મજબૂત જોડાણ કરવા આગળ વધશે.
આ આંદોલન નબળી શાસનવ્યવસ્થા, આર્થિક તંગી, મોંઘવારી અને સરકારી દમનના વિરોધમાં શરૂ થયું હતું. પ્રદર્શનને દબાવવા માટે પ્રશાસન દ્વારા પાંચમી ૫ જૂનથી સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સર્વિસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાસને ખાદ્ય સામગ્રીના પુરવઠા પર બે અઠવાડિયાંનો પ્રતિબંધ લાદતાં જનતાનો આક્રોશ બેવડાયો છે. ૯ જૂનથી લાઇન ઑફ કંટ્રોલ (LoC) નજીક પણ અલગ વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશો પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં તેમને સરમુખત્યાર ગણાવીને નકારી દીધા છે. આ વિરોધ-પ્રદર્શન વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે અને વિદેશમાં વસતા કાશ્મીરીઓ પણ પાકિસ્તાની દૂતાવાસોની બહાર પ્રદર્શનો કરી રહ્યા છે. નેતાઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની રાજકીય માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
