સંસદભવનની બહાર રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફનું અપ્રકાશિત પુસ્તક પત્રકારોને બતાવીને કહ્યું...
ગઈ કાલે સંસદની બહાર જનરલ મનોજ મુકુંદ નરવણેનું પુસ્તક દેખાડતા રાહુલ ગાંધી અને વડા પ્રધાનની નિષ્ઠા ખોરવાઈ છે એવા મતલબનું બૅનર લઈને પ્રદર્શન કરતા કૉન્ગ્રેસીઓ.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભાની બહાર મીડિયાને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું પુસ્તક દેખાડ્યું હતું અને આરોપ લગાડ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં લદ્દાખમાં ભારત-ચીન લશ્કરી અથડામણ દરમ્યાન તેમની જવાબદારી નિભાવી નહોતી.
સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતાં કૉન્ગ્રેસના આ નેતાએ કહ્યું હતું કે ‘સ્પીકર કહી રહ્યા છે કે આ પુસ્તક અસ્તિત્વમાં નથી, રાજનાથજીએ કહ્યું છે કે આ પુસ્તક અસ્તિત્વમાં નથી. આ નરવણેજીનું પુસ્તક છે જેમાં તેમણે લદ્દાખની વાત વિશે લખ્યું છે. નરેન્દ્ર મોદીજીએ તેમની જવાબદારી નિભાવી નથી. તેમણે આર્મી ચીફને કહ્યું કે તેમને જે ઠીક લાગે એ કરે. આર્મી ચીફ જનરલ નરવણેએ આ પુસ્તકમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેઓ એકલતા અનુભવી રહ્યા હતા. આ જ કારણે હવે તેઓ મારા બોલવાથી ડરે છે.’
ADVERTISEMENT
બુક વિશે બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મુખ્ય વાક્ય એ છે જે વડા પ્રધાને કહ્યું હતું કે જો ઉચિત સમઝો વો કરો. જ્યારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેએ રાજનાથ સિંહજીને ફોન કરીને કહ્યું કે ચીની ટૅન્કો કૈલાસ રિજ પર પહોંચી ગઈ છે તો આપણે શું કરવું જોઈએ? પહેલાં રાજનાથ સિંહે તેમને જવાબ આપ્યો નહીં. મને નથી લાગતું કે વડા પ્રધાન લોકસભામાં આવવાની હિંમત કરશે, કારણ કે જો તેઓ આવશે તો હું તેમને આ પુસ્તક આપીશ. જો વડા પ્રધાન આવશે તો હું તેમને આ પુસ્તક આપીશ જેથી તેઓ એને વાંચી શકે અને દેશ સત્ય જાણી શકે.’
રાહુલ ગાંધીએ લોકસભાના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના સમયે ઑગસ્ટ ૨૦૨૦ના ભારત-ચીન સંઘર્ષનો મુદ્દો ઉઠાવવાનો આગ્રહ રાખ્યો હતો અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને બાદમાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમને વારંવાર અટકાવવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ અપ્રકાશિત બુકમાંથી કંઈ ટાંકવામાં આવે નહીં.
રાજકીય તોફાનના કેન્દ્રમાં રહેલા શબ્દો: જો ઉચિત સમઝો વો કરો
૨૦૨૦ની ૩૧ ઑગસ્ટની રાત્રે પૂર્વી લદ્દાખમાં રેચિન લાથી ૫૦૦ મીટરની અંદર ચીનની ટૅન્કો આવી ગઈ ત્યારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને સંદેશ મળ્યો હતો કે જો ઉચિત સમઝો વો કરો. મનોજ નરવણેના અપ્રકાશિત સંસ્મરણ ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’માંથી રાહુલ ગાંધી દ્વારા ટાંકવામાં આવેલા આ શબ્દો હવે રાજકીય તોફાનના કેન્દ્રમાં છે.
જનરલ નરવણેએ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી ચીન સાથેના ભારતના સૌથી તનાવપૂર્ણ લશ્કરી સંઘર્ષ દરમ્યાન આર્મી ચીફ તરીકે સેવા આપી હતી. આ વિવાદ ૨૦૨૦ની ૩૧ ઑગસ્ટે થયો હતો, જ્યારે ચીની આર્મીની ટૅન્કો અને સૈનિકો પૂર્વી લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર રેચિન લા તરફ આગળ વધવા લાગી હતી.
રાહુલ ગાંધીના કહેવા મુજબ મનોજ નરવણેએ સંસ્મરણોમાં લખ્યું છે કે ‘૨૦.૧૫ કલાકે (રાત્રે ૮.૧૫ વાગ્યે) પાયદળ દ્વારા સપોર્ટેડ ૪ ટૅન્ક ધીમે-ધીમે ટ્રૅક ઉપર આગળ વધવા લાગી હતી. મને ઉપરથી મંજૂરી વિના ગોળીબાર ન કરવાનો સ્પષ્ટ આદેશ હતો. પરિસ્થિતિ વધુ વણસી જતાં મેં સંરક્ષણપ્રધાન, વિદેશપ્રધાન, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનો વારંવાર સંપર્ક કરીને પૂછ્યું કે મારા માટે શું આદેશ છે? ૨૨.૧૦ કલાક (રાત્રે ૧૦.૧૦ વાગ્યે) સુધીમાં નૉર્ધર્ન કમાન્ડ અહેવાલ આપે છે કે ટૅન્ક ૫૦૦ મીટરથી ઓછી દૂર છે. ચીની આર્મી સાથેની હૉટલાઇન સક્રિય છે, પરંતુ ટૅન્કો આગળ વધતી રહે છે. ૨૨.૩૦ કલાક (રાત્રે ૧૦.૩૦ વાગ્યે)એ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વડા પ્રધાન સાથે વાત કર્યા પછી પાછો ફોન કર્યો. તેમનો સંદેશ હતો કે જો ઉચિત સમઝો વો કરો.
લદ્દાખ સંઘર્ષ સમયે મનોજ નરવણે આર્મી ચીફ હતા. રાહુલ ગાંધી દ્વારા ટાંકવામાં આવેલા અંશો તાજેતરમાં એક ઑનલાઇન પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અગાઉ મંગળવારે રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને બજેટસત્ર દરમ્યાન રાષ્ટ્રપતિના ભાષણ પર બોલવાની તક ન આપવા બદલ પોતાનો સૌથી મજબૂત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ પ્રતિબંધને આપણી લોકશાહી પરનું કલંક ગણાવ્યો અને આરોપ લગાડ્યો કે સરકાર પુસ્તકમાં જે લખ્યું છે એનાથી ડરી ગઈ છે.


