લિવ-ઇન પાર્ટનર પહેલાં લગ્નથી આવેલી દીકરી માટે ટોણા મારતો હતો એટલે ભર્યું આવું ઘાતકી પગલું
અંજલિ નામની એક મહિલાએ પોતાની જ ૩ વર્ષની દીકરીને તળાવમાં ફેંકીને મારી નાખી
રાજસ્થાનના અજમેરમાં રહેતી અંજલિ નામની એક મહિલાએ પોતાની જ ૩ વર્ષની દીકરીને તળાવમાં ફેંકીને મારી નાખી હતી. આ માટે તે પહેલાં દીકરીને લઈને ચાલવા નીકળી. એ પછી તેને હાલરડું ગાઈને સુવડાવી અને ઊંચકી લીધી. રસ્તામાં આના સાગર તળાવ આવ્યું એટલે સૂતી દીકરીને એમાં ફેંકી દીધી. એ પછી તેણે નાટક કર્યું કે તેની દીકરી અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ છે.
મંગળવારે રાતે અંજલિ રસ્તા પર ફરી રહી હતી ત્યારે હેડ કૉન્સ્ટેબલ ગોવિંદ શર્માએ તેને રોકી હતી. આ સમયે રાતે બહાર ઘૂમવાનું કારણ પૂછતાં અંજલિએ કહ્યું કે તે પોતાની દીકરી સાથે બહાર આવી હતી, પણ રસ્તામાં અચાનક જ દીકરી ગાયબ થઈ ગઈ હતી; ઘણા વખતથી તે દીકરીને શોધી રહી છે પણ મળી નથી રહી.
પોલીસે આ ઘટનાની તપાસ માટે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં તો ખબર પડી કે અંજલિ ખોટું બોલી રહી છે. તે દીકરીને ઊંચકીને આના સાગર તળાવ પાસે ફરી રહી હોય એવું દેખાતું હતું, પણ એના અડધો કલાક બાદ તે એકલી મોબાઇલમાં વ્યસ્ત ફરતી જોવા મળી હતી. એમાં વળી બુધવારે સવારે પોલીસને આના સાગર તળાવમાં બાળકીનું શબ મળ્યું હતું. પોલીસને શંકા હોવાથી કડક પૂછપરછ કરતાં અંજલિએ રડતાં-રડતાં જાતે જ કબૂલી લીધું હતું. તેણે કહ્યું હતું કે તે અલકેશ નામના લિવ-ઇન પાર્ટનર સાથે રહે છે અને આ દીકરી તેનાં પહેલાં લગ્નથી આવી હતી. લિવ-ઇન પાર્ટનર વારંવાર આ દીકરીને લઈને ટોણા મારતો હોવાથી સ્ટ્રેસમાં આવીને તેણે આ કૃત્ય કર્યું હોવાનું કહ્યું હતું.

