Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાંચીમાં પોલીસના જાપ્તામાં રાખેલો ૨૦૦ કિલો ગાંજો ઉંદર ખાઈ ગયા

રાંચીમાં પોલીસના જાપ્તામાં રાખેલો ૨૦૦ કિલો ગાંજો ઉંદર ખાઈ ગયા

Published : 01 January, 2026 10:22 AM | IST | Ranchi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિણામે ૨૦૨૨ની ૧૭ જાન્યુઆરીએ પકડવામાં આવેલા આરોપીને નિર્દોષ જાહેર કરવો પડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઝારખંડની રાજધાની રાંચીના ઓરમાઝી પોલીસ-સ્ટેશનમાં કડક પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવેલો ૨૦૦ કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું. આ કેસ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે, જેમાં કોર્ટે પુરાવામાં ખામીઓ અને પોલીસની બેદરકારીનો ઉલ્લેખ કરીને એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

આરોપી ૨૬ વર્ષનો ઇન્દ્રજિત રાય છે જે બિહારના વૈશાલી જિલ્લાના વીરપુર ગામનો રહેવાસી છે. પોલીસ અને કોર્ટના રેકૉર્ડ મુજબ ૨૦૨૨ની ૧૭ જાન્યુઆરીએ ઓરમાઝી પોલીસ-સ્ટેશનને માહિતી મળી હતી કે એક સફેદ બોલેરો કાર રાંચીથી રામગઢ જઈ રહી છે‍ જેમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો છે. પોલીસ-ટીમે હાઇવે પર આ કારને ઝડપી લીધી હતી અને ઇન્દ્રજિત રાયની ધરપકડ કરી હતી. બે આરોપીઓ નાસી ગયા હતા. કારમાંથી આશરે ૨૦૦ કિલો ગાંજો મળી આવ્યો હતો.



NDPS ઍક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ ટ્રાયલ દરમ્યાન પોલીસના નિવેદનની તપાસ કરવામાં આવી હતી ત્યારે સાક્ષીઓનાં નિવેદનોમાં સમય, સ્થાન અને ઘટનાક્રમ વિશે નોંધપાત્ર વિરોધાભાસ બહાર આવ્યા હતા. આરોપીને કોણે પકડ્યો, વાહન ક્યાં રોકાયું હતું અથવા શોધખોળ કેટલો સમય ચાલી એ કોઈ સમજાવી શક્યું નહોતું.


સૌથી આઘાતજનક ઘટના ત્યારે બની જ્યારે કોર્ટને જાણ કરવામાં આવી કે ઓરમાઝી પોલીસ-સ્ટેશનના સ્ટોરરૂમમાં જપ્ત કરાયેલો ગાંજો ઉંદરો ખાઈ ગયા હતા. પોલીસે આ બાબતે ૨૦૨૪માં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આ દાવાને ગંભીર બેદરકારી ગણાવી હતી અને પોલીસની કાર્યવાહી પર સખત સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીને વાહન સાથે જોડતા નક્કર પુરાવા કે જપ્તી અને નમૂના લેવાની પ્રક્રિયાઓ પર વિશ્વાસ કરી શકાય નહીં. વાહનના એન્જિન અને શૅસિ-નંબર પણ અસ્પષ્ટ હતા એને કારણે તપાસની વિશ્વસનીયતા પર અસર પડી હતી એથી કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો.

જોકે ઉંદરો પુરાવા ખાઈ ગયા હોય એવી આ પહેલી ઘટના નથી, ૨૦૨૫ની શરૂઆતમાં ધનબાદ પોલીસે જણાવ્યું હતું કે સરકારી ગોદામમાં રાખવામાં આવેલો મોંઘો શરાબ ઉંદરો પી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 10:22 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK