ભારત માટે શક્તિશાળી બનવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એમ જણાવીને RSSના ચીફ ડૉ. મોહન ભાગવત કહે છે...
ગઈ કાલે જયપુરમાં એક સમારોહમાં બોલતા ડૉ. મોહન ભાગવત.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડૉ. મોહન ભાગવતે વિશ્વમાં મોટા ભાઈ તરીકે ભારતની ભૂમિકા અને વિશ્વશાંતિમાં એના યોગદાન પર પ્રકાશ પાડ્યો છે. તેમણે પાકિસ્તાન સામેની તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને ભારતની શક્તિના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. શનિવારે રાજસ્થાનના જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત અવૉર્ડ સમારોહમાં તેમણે કહ્યું હતું કે ‘વિશ્વકલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે અને શક્તિ વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી. ભારત માટે શક્તિશાળી બનવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
ડૉ. ભાગવતે સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો વિશે પણ વાત કરી હતી. ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ છે એમ જણાવીને ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘ભારત એક એવું રાષ્ટ્ર છે જે વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને ધર્મને પ્રોત્સાહન આપે છે. ભારતમાં બલિદાનની પરંપરા રહી છે. આપણે ભગવાન શ્રી રામથી લઈને ભામાશા સુધીના બધા મહાપુરુષોને નમન કરીએ છીએ જેમણે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. ધર્મ અને શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પણ શક્તિ જરૂરી છે.’

