ઈ-મેઇલ કરીને ધમકી આપવામાં આવતાં પોલીસે બન્ને ઠેકાણે સઘન તપાસ કરીને સુરક્ષા વધારી
અફઝલ ગુરુ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને સાંતાક્રુઝમાં આવેલી હોટેલ તાજને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી ઈ-મેઇલ મુંબઈ પોલીસને મળતાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ ઍરપોર્ટ અને હોટેલ તાજની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો અને સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે બન્ને જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. ઍરપોર્ટ પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે આવેલી ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે અફઝલ ગુરુ અને સૈવક્કુ શંકરને ફાંસી આપવાનો બદલો મુંબઈના ઍરપોર્ટ અને હોટેલ તાજને પાઇપ બૉમ્બથી ઉડાવી દઈને લેવામાં આવશે. ઈ-મેઇલ મળ્યા બાદ પોલીસે ધમકી આપનારાની માહિતી મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

