તેલંગણ હાઈ કોર્ટે છૂટાછેડાના કેસમાં આજના જમાનાની જીવનશૈલીને ધ્યાનમાં લઈને આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો
પ્રતીકાત્મક તસવીર
તેલંગણ હાઈ કોર્ટે વૈવાહિક સંબંધો અને બદલાતા સામાજિક વાતાવરણ વિશે એક સીમાચિહનરૂપ અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કામ કરતી પત્ની રસોઈ બનાવવામાં અથવા ઘરના કામકાજમાં તેની સાસુને મદદ કરવામાં અસમર્થ હોય એ ક્રૂરતા નથી. કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને સામાન્ય વૈવાહિક સંઘર્ષ ગણાવીને ફગાવી દીધી છે.
હૈદરાબાદના લૉ ગ્રૅજ્યુએટ પતિએ તેની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) પ્રોફેશનલ પત્ની સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે તેની પત્ની લગ્ન પછી તેના પરિવાર સાથે સારો વ્યવહાર કરતી નથી. તેણે કોર્ટમાં દલીલ કરી કે તેની પત્ની ન તો તેના માટે રસોઈ બનાવતી હતી કે ન તો તેની માતા (સાસુ)ને ઘરના કામમાં મદદ કરતી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે વારંવાર તેનાં માતા-પિતાના ઘરે જતી હતી અને અલગ રહેવાની માગણી કરીને તેના પર માનસિક દબાણ લાવતી હતી.
ADVERTISEMENT
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ નાગેશ ભીમપાકાની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે બદલાતા સમય અને કામ કરતાં યુગલોની જીવનશૈલીના પડકારોને ઊંડાણપૂર્વક સમજ્યા હતા. કોર્ટે જાણ્યું હતું કે પતિ અને પત્ની બન્ને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં હતાં અને તેમની શિફ્ટનો સમય સંપૂર્ણપણે અલગ હતો. રેકૉર્ડ મુજબ પતિ બપોરે એક વાગ્યે ઑફિસ જતો અને રાત્રે ૧૧ વાગ્યે ઘરે પાછો ફરતો. બીજી તરફ પત્ની સવારે ૬ વાગ્યે જાગતી હતી અને ઘરકામ પૂરું કરીને સવારે ૯ વાગ્યે ઑફિસ જતી અને સાંજે ૬ વાગ્યે પાછી ફરતી હતી. જ્યારે બન્નેના કામના કલાકો ખૂબ જ પડકારજનક છે ત્યારે ફક્ત રસોઈ ન કરી શકવાને ક્રૂરતા કહેવી ખોટું છે. એવી ટિપ્પણી કોર્ટે કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે સાસુ દ્વારા તેની પુત્રવધૂની ઘરકામમાં મદદ ન મળતી હોવાની ફરિયાદ કાયદેસર રીતે માનસિક ક્રૂરતા ગણી શકાય નહીં. કોર્ટે સંવેદનશીલતા સાથે નોંધ્યું હતું કે પત્નીનું તેનાં માતા-પિતાના ઘરે સતત રહેવું વાજબી હતું, કારણ કે તે ગર્ભપાતમાંથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અલગ રહેવાનું સૂચન પત્નીના વકીલ તરફથી પૂછપરછ દરમ્યાન આવ્યું હતું, પત્નીના પોતાના આગ્રહથી નહીં. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે લગ્ન જેવા પવિત્ર બંધનને નાની ફરિયાદો અથવા ઘરકામના આધારે તોડી શકાય નહીં, ખાસ કરીને જ્યારે જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી હોય.


