ડિજિટલ મૉડલથી જોવા મળશે ભારતની ૧૦૦ જેટલી દેશી પ્રજાતિની ઝલક
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મથુરામાં વ્રજ તીર્થ વિકાસ પરિષદની પહેલથી ભારતનું પહેલું રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમ મથુરામાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પશુચિકિત્સાલય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પરિસરમાં બનશે. આ પ્રોજેક્ટ માટે જમીનની પસંદગી થઈ ગઈ છે અને અધિકારીઓએ શનિવારે પ્રસ્તાવિત જમીનનું નિરીક્ષણ કરીને રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે.
આ સંગ્રહાલયમાં ગોવંશની પ્રજાતિઓનું જીવંત પ્રદર્શન દેખાડવામાં આવશે. અહીં ગાયોનાં લગભગ ૧૦૦ ડિજિટલ અને પ્રતીકાત્મક મૉડલ બતાવવામાં આવશે. એમાં દેશમાં જોવા મળતી તમામ પ્રજાતિઓની સાથે-સાથે એવી દુર્લભ પ્રજાતિઓને પણ સામેલ કરવામાં આવશે જે લુપ્ત થવાની અણીએ છે. આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ છે આવનારી પેઢીને ભારતના સમૃદ્ધ ગૌવંશની વિરાસત વિશે પૂરી જાણકારી મળે. આ મ્યુઝિયમ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મહત્ત્વનું હોવાની સાથે ગાય અને ગાયનાં ઉત્પાદનોની વૈજ્ઞાનિક ઉપયોગિતા માટે પણ મહત્ત્વનું છે.
ADVERTISEMENT
અહીં એક ખાસ એક્ઝિબિશન હશે જે ગાયના દૂધ અને એનાથી બનતાં ઉત્પાદનોને સમર્પિત હશે. આધુનિક ટેક્નિકના માધ્યમથી ગાયનાં ઉત્પાદનોની ખાસિયતો અને આયુર્વેદમાં બતાવેલા ફાયદાઓ વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવશે.
પરિસરમાં એક ડેરી-પાર્લર પણ બનશે જ્યાં પર્યટકોને શુદ્ધ ડેરી-પ્રોડક્ટ્સનો લુત્ફ ઉઠાવવા મળશે.
