સાઇબર કૅફે, પબ્લિક કિઓસ્ક, હોટેલ બિઝનેસ સેન્ટર કે ઉછીના લીધેલા કમ્પ્યુટર પર લૉગ-ઇન ન કરવા તથા સંવેદનશીલ ઑફિસ વાતાવરણમાં વૉટ્સઍપ વેબ ટાળવા સલાહ અપાઈ છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર (I4C)ના નૅશનલ સાઇબરક્રાઇમ થ્રેટ ઍનૅલિટિક્સ યુનિટ (NCTAU)એ ચેતવણી આપી છે કે વૉટ્સઍપ વેબના લૉગ-ઇન રહેલા સેશનનો દુરુપયોગ કરીને ગેરકાયદે રીતે યુઝર્સનાં અકાઉન્ટ સુધી પહોંચી શકાય છે. ૧૮ નવેમ્બરે જાહેર કરાયેલી ઍડ્વાઇઝરીમાં I4Cએ જણાવ્યું કે એના દ્વારા સાઇબર ગુનેગારો મેસેજ વાંચી શકે છે, અકાઉન્ટધારકની ઓળખનો દુરુપયોગ કરી શકે છે તથા કૉન્ટૅક્ટ્સ અને ગ્રુપ-ચૅટ મેળવીને છેતરપિંડી, ફિશિંગ કે સોશ્યલ એન્જિનિયરિંગ કરી શકે છે.
ઍડ્વાઇઝરીમાં જણાવાયું હતું કે વૉટ્સઍપ વેબને કાયમ લૉગ-ઇન ન રાખો અને ખાસ કરીને ઑફિસના કમ્પ્યુટર, શૅર્ડ સિસ્ટમ કે જાહેર કમ્પ્યુટર પર એનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો. માત્ર બ્રાઉઝર વિન્ડો કે ટૅબ બંધ કરવાથી લૉગ-આઉટ થતું નથી તેથી દરેક સેશન બાદ મૅન્યુઅલી લૉગ-આઉટ કરવું જરૂરી છે. જો ઉપયોગ ટાળી ન શકાય તો વિશ્વસનીય કમ્પ્યુટર પર ઇન્કૉગ્નિટો અથવા પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો જોઈએ. સાઇબર કૅફે, પબ્લિક કિઓસ્ક, હોટેલ બિઝનેસ સેન્ટર કે ઉછીના લીધેલા કમ્પ્યુટર પર લૉગ-ઇન ન કરવા તથા સંવેદનશીલ ઑફિસ વાતાવરણમાં વૉટ્સઍપ વેબ ટાળવા સલાહ અપાઈ છે.
