ક્યારેક આ ગામથી છેક આજના પાકિસ્તાનના કરાચી સુધી ટ્રેન દોડતી હતી. અરે એટલું જ શું કામ, આ ગામની વેપારી ઓળખ ભારત કે પાકિસ્તાન સુધી જ નહીં, છેક કંદહાર સુધી વિસ્તરેલી હતી
સ્ટેશન ભારતમાં (ડાબે) અને ખેતી પાકિસ્તાનમાં
આપણા ભારતના સરહદી રાજ્યમાં એક એવું ગામ પણ છે જ્યાંના ખેડૂતોનાં ખેતર સરહદની પેલે પાર, પાકિસ્તાનમાં છે. છેને નવાઈની વાત? એટલું જ નહીં, આ ગામની બીજી પણ એક આગવી ઓળખ ઇતિહાસના પાને નોંધાયેલી છે. ક્યારેક આ ગામથી છેક આજના પાકિસ્તાનના કરાચી સુધી ટ્રેન દોડતી હતી. અરે એટલું જ શું કામ, આ ગામની વેપારી ઓળખ ભારત કે પાકિસ્તાન સુધી જ નહીં, છેક કંદહાર સુધી વિસ્તરેલી હતી
આપણે આજે શબ્દસફર માણવાના છીએ હિન્દુમલકોટની. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની સરહદે વસેલું આ ગામ ઇતિહાસ, વિભાજન, ખેતી, રેલવે અને સરહદી જીવનની અનેક અજાણી દાસ્તાન પોતાનામાં સંકોરીને જીવી રહ્યું છે. જ્યારે-જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની વાત નીકળે ત્યારે આપણા મનમાં કાંટાળી તારની વાડ, સશસ્ત્ર જવાનો, સુરક્ષાચોકીઓ અને બે દેશો વચ્ચેના તનાવનાં દૃશ્યો ઊપસી આવે, ખરુંને? પરંતુ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક એવું ગામ છે જે આ બધાથી વેગળી કોઈક બીજી જ અનોખી કહાની તરફ આપણને લઈ જાય છે ઃ હિન્દુમલકોટ.
ADVERTISEMENT
જરા માનવામાં વિચિત્ર લાગે અને હકીકતો અચંબિત કરે એવી કહાની છે આ ગામની. અહીંના કેટલાક ખેડૂતોનાં ઘર તો ભારતમાં છે, તેઓ રહે છે પણ ભારતમાં જ, પરંતુ ખેતરો સરહદ પર લગાવવામાં આવેલી કાંટાળી વાડની પેલે પાર એટલે કે પાકિસ્તાનમાં છે અને પોતાના ખેતરમાં કામ કરવા માટે તેમણે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની મંજૂરી લઈને વાડની બીજી તરફ જવું પડે છે. આવા વિચિત્ર સંજોગ અને સંયોગને સમજવા માટે આપણે થોડો ભૌગોલિક તફાવત સમજવો પડશે. ઘણી વાર દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ એ રીતે રચાયેલી હોય છે કે સરહદ પરની કાંટાળી વાડ અને વાસ્તવિક આંતરરાષ્ટ્રીય બૉર્ડર એક જ જગ્યાએ ન હોય, જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષાનાં કારણોસર અનેક સ્થળોએ એવું છે કે સીમાંત વાડ ભારતીય ભૂમિની અંદર ઊભી કરવામાં આવી હોય, પણ તેથી કંઈ વાડની પેલે પાર આવેલાં ખેતરો આપોઆપ પાકિસ્તાનની જમીનમાં ગણાઈ જાય એવુંય નથી. પણ એ માટે જાણવી પડશે એક કહાની, એ કહાની જે કહે છે કે આખરે એવું શું બન્યું કે વેપારનું મોટું કેન્દ્ર ગણાતું આ ગામ સરહદના એક શાંત ખૂણામાં સીમિત થઈ ગયું? કારણ કે એક સમયે અહીંથી પસાર થતી રેલવેલાઇન ભારતનાં
મોટાં-મોટાં શહેરોને કરાચી સાથે જોડતી હતી. આ વિસ્તારનો વેપાર બહાવલપુર, લાહોર, પેશાવરથી લઈને છેક અફઘાનિસ્તાનનાં કાબુલ-કંદહાર સુધી પહોંચતો હતો. આજે જ્યાં સરહદની ચોકીઓ અને સુરક્ષાની વ્યવસ્થા છે ત્યાં એક જમાનામાં વેપારીઓ, અનાજનાં ગોદામો અને રેલવેની અવરજવરથી ધમધમતું બજાર હતું.
એક દીવાનના નામે ઓળખાતું ગામ
હિન્દુમલકોટનો ઇતિહાસ મૂળ બીકાનેરના રજવાડા સાથે જોડાયેલો છે. આ ગામનું જૂનું નામ ‘ઓડકી’ હતું. બીકાનેરના મહારાજા ગંગાસિંહના શાસનકાળ દરમ્યાન દીવાન હિન્દુમલ આ વિસ્તારમાં રજવાડાંની સરહદોની હદબંધીના કામે આવ્યા હતા. કહે છે કે અહીં રોકાણ દરમ્યાન તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા અને તેમનું અવસાન થયું. તેમના પ્રત્યેના આદર અને સ્મૃતિમાં બીકાનેરના મહારાજાએ ઓડકીનું નામ બદલીને ‘હિન્દુમલકોટ’ રાખી દીધું. કહાની હજી અહીં જ પૂર્ણ નથી થઈ જતી. આ નામમાં રહેલો ‘કોટ’ શબ્દ આ વિસ્તારમાં વસેલી જૂની વસાહતો અને રજવાડી વહીવટી ઓળખની યાદ અપાવે છે.
એક સમયે આ વિસ્તારની ગણના મહત્ત્વનાં વેપારી કેન્દ્રોમાં થતી હતી. અનાજના વેપાર માટે એની ખ્યાતિ હતી. ખાસ કરીને ચણાના વેપાર માટે અહીં દૂર-દૂરથી વેપારીઓ આવતા. એ સમયે આજની જેમ બે અલગ રાષ્ટ્રની સરહદો વચ્ચે કડક અવરજવર પ્રતિબંધો નહોતા. વેપારના માર્ગો, ઊંટગાડીઓ અને રેલવે દ્વારા આ વિસ્તારનો સંપર્ક છેક બહાવલપુર, કરાચી, લાહોર, ક્વેટા અને પેશાવર સુધી હતો. અફઘાનિસ્તાનનાં કાબુલ અને કંદહાર સુધી પણ અહીંના વેપારી સંબંધો પહોંચતા હતા. હિન્દુમલકોટ માત્ર એક સ્થાનિક બજાર નહોતું, ઉત્તર-પશ્ચિમ ભારતના વિશાળ વેપારી નેટવર્કનો એક ભાગ હતું.
આજે કોઈ ગામની ઓળખ એના બજારની દુકાનો કે વસ્તીથી થાય છે, પરંતુ એક સમયે હિન્દુમલકોટની ઓળખ એના વેપારના વ્યાપથી થતી હતી. બીકાનેર રજવાડાના સમયમાં અહીંની અનાજમંડીનું દૂરસુદૂરના વિસ્તારો સુધી અલગ મહત્ત્વ હતું. આસપાસના ખેતીપ્રધાન વિસ્તારોમાંથી અહીં અનાજ આવતું અને વેપારીઓ મારફત એ દૂર-દૂરનાં બજારો સુધી પહોંચતું.
પાકિસ્તાન સુધી ટ્રેન
આજે આ ગામમાં એક જૂનું રેલવે-સ્ટેશન મૌન ઊભું છે, પરંતુ એક સમયે ત્યાં ટ્રેનની સીટીઓ સંભળાતી હતી. મુસાફરોની અવરજવર થતી હતી અને માલગાડીઓ દ્વારા અનાજની હેરફેર પણ થતી હતી. બ્રિટિશ શાસન દરમ્યાન હિન્દુમલકોટથી પસાર થતો રેલવેમાર્ગ દિલ્હી અને મુંબઈ તરફના વિસ્તારોને બહાવલપુર અને કરાચી સાથે જોડતો હતો. ફાઝિલ્કા-કરાચી રેલવેમાર્ગનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ ગણાતું હિન્દુમલકોટ સ્ટેશન એ સમયે કંદહાર સુધીના વેપારી સંબંધો વિકસાવવા માટે મહત્ત્વની કડીરૂપ હતું.
આજનું ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણે વચ્ચે વેપારની કડી હતું હિન્દુમલકોટ ગામ. કરાચી બંદર સુધી માલ પહોંચાડવાની વ્યવસ્થા અને લાહોર, પેશાવર જેવાં શહેરો સાથે વેપારી સંબંધો. આજે આ સાંભળતાં પણ નવાઈ લાગે, પણ રાજસ્થાનના રણપ્રદેશની નજીક આવેલું આ ગામ એક વિશાળ વેપારી નેટવર્કનો હિસ્સો હતું, જેની સમૃદ્ધિનો અંદાજ એ વાત પરથી પણ મળે છે કે એક સમયે એને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જોકે સ્વતંત્રતા અને દેશના વિભાજન પછી વેપારની એ જૂની વ્યવસ્થા તૂટી ગઈ. સરહદ બંધ થતાં બજારની આર્થિક ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો. ૧૯૫૯માં એને નગરપાલિકામાંથી ગ્રામપંચાયતના દરજ્જામાં ફેરવી નાખવામાં આવ્યું અને ૧૯૬૧ની વસ્તીગણતરી પછી તો એને નગરમાંથી પણ હટાવીને માત્ર એક નાની વસાહત તરીકે ગણાવવામાં આવ્યું.
એમ કહો કે ૧૯૪૭ના ભાગલા પહેલાં આ રેલવે માત્ર પરિવહનનું સાધન જ નહોતી, એ એકબીજા સાથે જોડાયેલા પ્રદેશોની આર્થિક જીવનરેખા પણ હતી. ત્યાર બાદ ભારતનું વિભાજન થયું અને આ રેલવેમાર્ગની બન્ને બાજુ બે દેશોની સરહદ ઊભી થઈ ગઈ. પાકિસ્તાન તરફના પાટા હટાવી દેવામાં આવ્યા. એમ છતાં હિન્દુમલકોટથી બઠિંડા સુધીની ટ્રેનસેવા તો ૧૯૬૯ સુધી ચાલુ રહી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક યુદ્ધ થયું અને ૧૯૭૬ની સાલમાં હિન્દુમલકોટ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સરહદની અત્યંત નજીક હોવાને કારણે ખસેડીને લગભગ ત્રણ કિલોમીટર પાછળ લઈ જઈ નવું સ્ટેશન બનાવવામાં આવ્યું. છતાં આજે પણ જૂના સ્ટેશનની ઇમારત અને એની આસપાસના રેલવે-અવશેષો જેમના તેમ છે અને પોતાનામાં ભૂતકાળની યાદો જીવંત રાખી બેઠા છે.
જૂના સ્ટેશનને મ્યુઝિયમ
બનાવવાની માગણી
જૂના હિન્દુમલકોટ રેલવે-સ્ટેશનને હવે
રેલવે-મ્યુઝિયમમાં બદલવાની માગણી ઊઠી રહી છે. રેલવેના ભૂતપૂર્વ સલાહકાર સમિતિના સભ્ય અને જાણકાર એવા ભીમપ્રકાશ શર્માએ આ વિશે સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે કહ્યું છે કે જૂના સ્ટેશનની ઇમારતનું સમારકામ કરી ત્યાં જૂનાં સ્ટીમ એન્જિન, રેલવેના ડબ્બા અને ઐતિહાસિક સિગ્નલ સિસ્ટમ પ્રદર્શિત કરવી જોઈએ. સ્ટેશન પર જૂનાં માલગોદામ અને સિગ્નલ કૅબિન જેવા અવશેષો જે આજે પણ ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી સહેલાણીઓને એ દેખાડવું જોઈએ કે આ સ્ટેશન ક્યારેક કરાચી સુધી જતી ટ્રેનોની અવરજવરનું સાક્ષી હતું. ભારત-પાકિસ્તાનના વિભાજન પહેલાંના
રેલવે-ઇતિહાસનું મહત્ત્વનું સંગ્રહાલય બની શકે એમ ભીમપ્રકાશ શર્માનું કહેવું છે.
૧૯૪૭નું હિન્દુમલકોટ
એક જમાનામાં વેપારીઓ, ખેડૂતો અને મુસાફરો માટે માત્ર એક ગામથી બીજા ગામ તરફ જવાની સફર માત્ર હતી, ઘરથી ખેતર સુધી ચાલી નાખવાની પગદંડી માત્ર હતી. એ જ ગામના રહેવાસીઓ માટે હવે તેમનું ગામડું બે દેશની સરહદોમાં વહેંચાઈ ગયું હતું, જે પાર કરવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર પડવાની હતી. જે વેપારમાર્ગો વર્ષોથી ખુલ્લા હતા એ અચાનક બંધ થઈ ગયા હતા. જે બજારની ખરીદી-વેચાણની કડીઓ કરાચી, લાહોર અને બહાવલપુર સુધી હતી એ હવે તૂટી ગઈ હતી.
વિભાજન સમયે અહીંના કેટલાક પરિવારો પોતાની મિલકતો છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા, જ્યારે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાંથી આવેલા શરણાર્થી પરિવારો અહીં આવીને વસ્યા. એવા સંજોગોમાં પણ હિન્દુમલકોટમાં એક મોટી વિસંગતિ સર્જાવા પામી. રાજકીય રીતે સરહદ બંધ તો થઈ ગઈ, પણ જમીન અને ખેતીની વ્યવસ્થાએ જૂની ભૂગોળનાં કેટલાંક નિશાન હજી જાળવી રાખવામાં આવ્યાં. અર્થાત્ ખેડૂત ભારતના અને તેમનાં ખેતર સરહદની પેલે પાર. એટલે કે તેમનું ઘર અને ગામ પેલી સરહદી કાંટાળી વાડની આ તરફ અને તેમનું ખેતર વાડની બીજી તરફ. કલ્પના કરો કે સવારે ખેડૂત પોતાના ઘરેથી નીકળે અને તેણે પોતાના જ ખેતરમાં પ્રવેશ કરવા માટે સરહદની સુરક્ષા કરતા BSFના જવાનો પાસે પરવાનગી લેવી પડે.
ખેતીની વળી અલગ જ સમસ્યા
આ માટે એક જટિલ વ્યવસ્થા કારણભૂત છે. વાત કંઈક એવી છે કે વિભાજન સમયે આંતરરાષ્ટ્રીય સરહદ અને કાંટાળી વાડ વચ્ચે અમુક સ્થળોએ ભારતીય ખેડૂતોની જમીન રહી ગઈ. હવે સુરક્ષાના હેતુથી આપણે વાડ સરહદથી થોડી અંદર તરફ બનાવી. અર્થાત્ પેલી ખેતરની જમીન પાકિસ્તાનની નથી, પરંતુ કાંટાળી વાડની પેલે પાર આવેલી ભારતીય જમીન છે, પણ સરહદી વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતોને ખેતી કરવા માટે નિશ્ચિત સમય અને સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવું પડે છે.
જેમ કે કોઈ પણ ખેડૂત સવારે નવથી સાંજે ચાર વાગ્યા વચ્ચે જ પોતાના ખેતરમાં કામ કરી શકે. એટલું જ નહીં, અમુક ઊંચાઈથી વધારે વધતા પાકની ખેતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમ કે સરસવ અને શેરડી જેવા પાક આ ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડવાની મંજૂરી નથી, કારણ કે ત્રણ ફુટથી વધુ ઊંચા થતા છોડ સુરક્ષાની દૃષ્ટિએ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી અહીંના ખેડૂતોએ ચણા કે શાકભાજી જેવા પાક જ લેવા પડે.
હવે અહીં તમે એમ ન કહી શકો ક, ખેડૂતે પોતાની જમીન પર શું ઉગાડવું એ નક્કી કરતી વખતે તેણે વરસાદ, પાણી અને બજારનો પણ વિચાર કરવાનો કે નહીં? ના, નહીં કરી શકે; કારણ કે અહીં મામલો તે ખેડૂતની ખેતી કરતાં રાષ્ટ્રીય સુરક્ષાનો વધુ છે, અને તેથી જ તો BSF દ્વારા આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે ખેતરમાં જવા માટે BSFની મંજૂરી લેવી અનિવાર્ય છે. પ્રવેશ અને બહાર નીકળવાનો સમય પણ નિર્ધારિત. એકમાત્ર ખેતીના કામ સિવાય બીજા કોઈ પણ હેતુ માટે ખેડૂત વાડ પાર કરી શકે નહીં. પાકની ઊંચાઈ અને ખેતરમાં થતી પ્રવૃત્તિઓ વિશે પણ સુરક્ષાની મર્યાદાઓ ખેડૂતને લાગુ પડશે. અચાનક કોઈ સમસ્યા ઊભી થાય તો ખેડૂત પોતાની મરજીથી તરત ખેતરમાં જઈ શકે નહીં.
આમ સરહદે રહેતા ખેડૂતોનું જીવન કેવા-કેવા અનુભવો વચ્ચે જિવાતું હોય છે. જુઓને, આ વાત છે અંદાજે ૨૦૧૮ના વર્ષની. હિન્દુમલકોટ ગ્રામપંચાયતનો જ હિસ્સો ગણાતું નજીકનું કોઠા ગામ. જ્યાં ગંગ કનૅલની એક નાની નહેરનો લગભગ અડધો ભાગ કાંટાળી વાડની પેલે પાર છે. હવે બન્યું એવું કે, વરસાદ કે ધૂળની આંધીને કારણે નહેરમાં કચરો ભરાઈ જતો હતો અને પાણીનો પ્રવાહ અટકી જતો હતો, જેને કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાતી. અને નક્કી કરેલા સમય પછી વાડની પેલે પાર જઈને નહેર સાફ કરવાની પણ છૂટ મળતી નહોતી. આ સમસ્યા લગભગ વીસેક વર્ષથી ત્યાંના ખેડૂતો ભોગવતા હતા. આખરે સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી અને ચૂંટણી વખતે નહેરને વાડની આ બાજુ ખસેડવાનું વચન આપવામાં તો આવ્યું, પણ હજી આજેય એનો કાયમી ઉકેલ તો આવ્યો જ નથી. હવે ખેતી માટે પાણી એ તો સૌથી મહત્ત્વની જીવનરેખા છે, અને તેથી જ હિન્દુમલકોટ અને શ્રીગંગાનગર વિસ્તારની ગંગ કનૅલ પણ અત્યંત મહત્ત્વની છે. વળી રાજસ્થાનનો આ વિસ્તાર થારના રણપ્રદેશની નજીકનો વિસ્તાર. આથી વરસાદનું પ્રમાણ પણ ઓછું. શ્રીગંગાનગર જિલ્લામાં સરેરાશ આશરે ૨૦.૭૦ સેન્ટિમીટર જેટલો જ વાર્ષિક વરસાદ થાય છે. હવે આટલા ઓછા વરસાદમાં કનૅલ અને એના પાણી વિના ખેતીને સમૃદ્ધ બનાવવી કઈ રીતે?
પણ ગંગ કનૅલે આ વિસ્તારની ખેતીની આખીયે તસવીર બદલી નાખી. જે જમીન એક સમયે સૂકી અને રેતાળ હતી ત્યાં ઘઉં, કપાસ, ચણા, સરસવ અને અન્ય પાકની ખેતી થવા માંડી. છતાં હિન્દુમલકોટ જેવા સરહદી ગામોમાં કનૅલનું પાણી મેળવવું હજી આજે પણ સુરક્ષાની-વ્યવસ્થાને આધીન હોવાથી ક્યારેક મુશ્કેલ બને છે. વાડની પેલે પારથી પસાર થતી નહેર, એની સફાઈ, પાણીનો પ્રવાહ અને સમારકામ જેવી બાબતો ખેડૂતો માટે સામાન્ય કૃષિ-સમસ્યાઓ કરતાં વધુ જટિલ બની જાય છે. આથી જ તો અહીંનો ખેડૂત માત્ર જમીનનો માલિક નથી, સરહદી પરિસ્થિતિઓ સાથે તાલમેલ મેળવતો એક મૌન સરહદ-સાથી પણ છે.
હિન્દુમલકોટનું કૃષિપરિવર્તન
આ બધી સમસ્યાઓ છતાં શ્રીગંગાનગરને ઘણી વખત રાજસ્થાનનો ‘અન્નભંડાર’ કહેવામાં આવે છે. પંજાબની સરહદને અડીને આવેલા આ જિલ્લામાં પંજાબી સંસ્કૃતિનો પણ વિશેષ પ્રભાવ છે. સિંચાઈની સુવિધાઓને કારણે અહીંના ખેડૂતોએ કૃષિમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. ખાસ કરીને કિન્નુની ખેતી હવે આ વિસ્તારની નવી ઓળખ બની છે. કિન્નુ એક રસદાર સાઇટ્રસ ફળ છે અને શ્રીગંગાનગરની જમીન તથા હવામાન એની ખેતી માટે અનુકૂળ છે. આ સિવાય આ સરહદી વિસ્તારમાં ઘઉં, કપાસ, ચણા જેવા અન્ય પાકો પણ લેવાય છે. સરહદી ગામની મુશ્કેલીઓ છતાં અહીંના ખેડૂતોએ પોતાની ખેતીને જીવંત રાખી છે. ઇતિહાસનાં પાનાં ઉથલાવીશું તો હિન્દુમલકોટની જૂની ઓળખ ચણાની મોટી મંડી તરીકે હતી. આજે તો જાણે ઇતિહાસની એ આર્થિક ઓળખ બદલાઈ જ ગઈ છે. પરંતુ ખેતી સાથેનો એનો સંબંધ અકબંધ રહ્યો છે.
હિન્દુમલકોટ - પ્રવાસીઓનું આકર્ષણ
હિન્દુમલકોટ શ્રીગંગાનગરથી આશરે ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે, જે હવે ‘હિન્દુમલકોટ બૉર્ડર’ તરીકે રાજસ્થાનનાં જાણીતાં સરહદી સ્થળોમાંનું એક છે. પાકિસ્તાન તરફની સરહદી ચોકીઓ અને સુરક્ષા વ્યવસ્થાનો નજારો અહીંથી જોઈ શકાય છે. જોકે મુલાકાતીઓએ પ્રવેશની મંજૂરી, સમય અને સુરક્ષાનિયમો વગેરે વિશે BSF દ્વારા નિર્ધારિત કરેલા માપદંડોનું કડક પાલન કરવું પડે છે.
સામાન્ય રીતે આપણે સરહદને બે દેશોને અલગ પાડતી રેખા તરીકે જોઈએ છીએ; પરંતુ હિન્દુમલકોટમાં સરહદનો ઇતિહાસ, ખેતી, પરિવહન, પાણી અને રોજિંદા જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અહીં સરહદ માત્ર નકશા પર દોરેલી રેખા નથી, એ લોકોના જીવનનો રોજિંદો અનુભવ છે. જે ગામમાં ક્યારેક કરાચી અને બહાવલપુર તરફ જતી ટ્રેનોની અવરજવર હતી, જેની અનાજમંડીમાં દૂરના પ્રદેશોથી વેપારીઓ આવતા હતા, જેનો વેપારી સંપર્ક કાબુલ અને કંદહાર સુધી વિસ્તરેલો હતો, એ જ ગામ આજે પોતાના ખેતરમાં જવા માટે પણ સુરક્ષાકર્મીઓની મંજૂરીની રાહ જુએ છે. પણ કદાચ આ વિસંગતતા જ હિન્દુમલકોટને મહત્ત્વનો ઐતિહાસિક દરજ્જો અપાવે છે એમ કહીએ તો ખોટું નથી.
