ઉદયપુરની IT કંપનીની HR મૅનેજર પરના આ જાતીય અત્યાચારમાં તેની જ કંપનીનો CEO ઉપરાંત એક વરિષ્ઠ મહિલા એક્ઝિક્યુટિવ અને તેનો પતિ પણ સામેલ
જિતેશ સિસોદિયા અને ગૌરવ સિરોહી
ઉદયપુરની એક IT કંપનીની હ્યુમન રિસોર્સિસ (HR) મૅનેજર પર ચાલતી કારમાં બળાત્કાર કરવાના આરોપસર ઉદયપુર પોલીસે પ્રાઇવેટ કંપની GKM IT પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જિતેશ સિસોદિયા, કંપનીનાં એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા સિરોહી અને શિલ્પાના પતિ ગૌરવની બુધવારે મોડી રાતે ધરપકડ કરી હતી.
૨૦ ડિસેમ્બરની રાતની ઘટના
યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટના ૨૦ ડિસેમ્બરે એક હોટેલમાં કંપનીના CEO દ્વારા આયોજિત જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી પછી બની હતી. યુવતી રાતે ૯ વાગ્યે હોટેલમાં પહોંચી હતી અને પાર્ટી રાતે દોઢ વાગ્યા સુધી ચાલી હતી. પાર્ટીમાં CEO જિતેશ સિસોદિયા, એક વરિષ્ઠ મહિલા એક્ઝિક્યુટિવ શિલ્પા સિરોહી અને તેમના પતિ ગૌરવ સિરોહી હાજર હતાં. જ્યારે યુવતી નશામાં ધુત થવા લાગી ત્યારે કેટલાક ઉપસ્થિતોએ તેને ઘરે છોડી દેવાનું સૂચન કર્યું હતું. જોકે મહિલા એક્ઝિક્યુટિવે તેને આફ્ટર-પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. લગભગ પોણાબે વાગ્યે યુવતી કારમાં બેઠી હતી જ્યાં CEO અને એક્ઝિક્યુટિવના પતિ પહેલેથી હાજર હતા. આ કાર HR મૅનેજરની પોતાની જ હતી. ત્રણેય જણ તેને ઘરે છોડવા નીકળ્યા હતા, પણ સિગારેટ ખરીદવા તેઓ એક દુકાને રોકાયા હતા અને યુવતીને ધૂમ્રપાન કરાવ્યું હતું.
ADVERTISEMENT
ચાલુ કારમાં બળાત્કાર
ધૂમ્રપાન પછી યુવતી બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને થોડું ભાન આવ્યું ત્યારે તેણે જોયું કે CEO તેની સાથે છેડતી કરી રહ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે CEO, મહિલા એક્ઝિક્યુટિવ અને તેના પતિએ મારું જાતીય શોષણ કર્યું હતું. વારંવાર ઘરે લઈ જવા માટે કહેવા છતાં તેને સવારે પાંચ વાગ્યે ઘરે મૂકી હતી. એ યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે સંપૂર્ણપણે ભાનમાં આવી ત્યારે તેની કાનની એક બુટ્ટી, મોજાં અને અન્ડરગાર્મેન્ટ ગાયબ હતાં. તેના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા હતી એથી તેણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મેળવ્યા પુરાવા
પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટમાં યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાનાં નિશાનની પુષ્ટિ થઈ છે જે પ્રથમ દૃષ્ટિએ ગૅન્ગ-રેપના આરોપને સમર્થન આપે છે. પોલીસે HR મૅનેજરની કારના ડૅશકૅમની એટલે કે ડૅશબોર્ડ પર લાગેલા કૅમેરાની તપાસ કરી હતી જેમાં ઘટનાનો ઑડિયો અને વિડિયો રેકૉર્ડ થયો હતો. પોલીસ માટે હવે આ રેકૉર્ડિંગ તપાસનો મુખ્ય ભાગ છે. એકત્રિત થયેલા પુરાવાઓના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.


