શ્રીલંકા, મૉલદીવ્ઝ અને નેપાલને અપાતી મદદમાં વધારો કરવામાં આવ્યો
ભુતાન
કેન્દ્રીય બજેટમાં વિદેશ મંત્રાલયના ‘નેબર ફર્સ્ટ પૉલિસી’ અને ‘સાગર મિશન’ હેઠળ ભારતના પાડોશી દેશો અને મિત્ર દેશોને આર્થિક સહાય માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે બજેટ-સ્પીચમાં કરી હતી. આ યોજના હેઠળ પાડોશી ભુતાનને ૨૧૫૦ કરોડ, નેપાલને ૭૦૦ કરોડ, મૉલદીવ્ઝને ૬૦૦ કરોડ, મૉરિશ્યસને ૫૦૦ કરોડ, મ્યાનમારને ૩૫૦ કરોડ, બંગલાદેશને ૧૨૦ કરોડ, અફઘાનિસ્તાનને ૧૦૦ કરોડ, આફ્રિકન દેશોને ૨૨૫ કરોડ અને અન્ય વિકાસ કરી રહેલા દેશોને ૧૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઘણા આફ્રિકન, લૅટિન અમેરિકા અને યુરોએશિયન દેશોને પણ સહાય કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયને ૨૨,૨૫૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે ગયા બજેટ કરતાં ૨૪ ટકા ઓછા છે.
ADVERTISEMENT
ભુતાનને ગયા વર્ષ કરતાં ૪૦૦ કરોડ રૂપિયા ઓછા ફાળવવામાં આવ્યા છે. નેપાલ અને શ્રીલંકાને આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રીલંકાને ૬૦ કરોડને બદલે હવે ૩૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નેપાલને અપાતી રકમ ૬૫૦ કરોડથી વધારીને ૭૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. મૉલદીવ્ઝને ગયા વર્ષે ૪૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેના બદલે હવે ૬૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.