Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વાર્ષિક ૧૨.૭૫ લાખ સુધીની આવક કરમુક્ત

વાર્ષિક ૧૨.૭૫ લાખ સુધીની આવક કરમુક્ત

Published : 02 February, 2025 07:51 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સીધા વેરામાં અપાયેલી રાહતો કઈ-કઈ? : જૂની અને નવી કરપ્રણાલી વચ્ચેનો ફરક સમજી લેવો જોઈશે

પ્રતીકાત્મક તસવીર

બજેટ 2025

પ્રતીકાત્મક તસવીર


દર વર્ષે બજેટમાં મધ્યમ વર્ગને - સૅલેરીડ ક્લાસને જેની ભરપૂર ઉત્સુકતા હોય એ બાબત આવકવેરાના દરમાં કે સ્લૅબમાં ફેરફાર વિશેની હોય છે અને એમાં કોઈ નવી રાહતો અપાઈ કે નહીં એની અપેક્ષા વિશેની હોય છે. આ બજેટે ‘ઉમ્મીદ સે ઝ્‍યાદા’ જેવું કામ કર્યું છે. ખાસ કરીને પગારદાર-મધ્યમ વર્ગને રાજી કરી દે એવી બજેટની જાહેરાતમાં આ વખતે નાણાપ્રધાને વાર્ષિક ૧૨ લાખ સુધીની આવકને સંપૂર્ણ કરમુક્તિ આપી દીધી છે. એ ઉપરાંત તેમને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે એ ગણીએ તો ૧૨.૭૫ લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ ગણાય. આ જાહેરાતની સાથોસાથ નાણાપ્રધાને ઇન્કમ ટૅક્સના નવા સ્લૅબ પણ જાહેર કરતાં લોકોમાં મૂંઝવણ વધી અથવા જાગી. જોકે આનો સરળ જવાબ એ છે કે ઇન્કમ ટૅક્સ બાબતે હવે બે કરપ્રણાલી કામ કરી રહી છે. એક જૂની, જેમાં કરદાતાઓને વિવિધ ડિડક્શનના લાભ મળતા હોય છે, જેમ કે વીમા-પ્રીમિયમ, ડોનેશન વગેરે. જ્યારે નવી ટૅક્સ રેજિમ (નવી કરપ્રણાલીમાં) આવા લાભ ઉપલબ્ધ નથી જેથી નાણાપ્રધાને બન્ને પ્રણાલીને ધ્યાનમાં રાખીને સ્લૅબ પણ જાહેર કરવા પડે જેમાં પણ એકંદરે તો રાહત જણાય છે. અલબત્ત, નવી ટૅક્સ રેજિમ માટે પણ નવા સ્લૅબ નક્કી કરવાનું કારણ પણ સમજવું જોઈશે.


ઇન્કમ ટૅક્સના નવા સ્લૅબ



નવા સ્લૅબ મુજબ હવે ઝીરોથી ૪ લાખ સુધીની આવક ધરાવનારને ઝીરો ટૅક્સ લાગુ થશે. ૪થી ૮ લાખ સુધીની આવક પર પાંચ ટકા ટૅક્સ, ૮થી ૧૨ લાખની આવક પર ૧૦ ટકા ટૅક્સ, ૧૨થી ૧૬ લાખની આવક પર ૧૫ ટકા ટૅક્સ, ૧૬થી ૨૦ લાખની આવક પર ૨૦ ટકા ટૅક્સ, ૨૦થી ૨૪ લાખની આવક પર ૨૫ ટકા ટૅક્સ અને ૨૪ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટૅક્સ લાગુ થશે. સૅલેરીડ ક્લાસને ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર સ્ટ્રેઇટ કરમુક્તિ રહેશે, જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ૭૫,૦૦૦નો લાભ ઉમેરાતો હોવાથી આ વર્ગની ૧૨.૭૫ લાખ સુધીની આવક પર ટૅક્સ જ નહીં હોય. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે નવી રેજિમમાં નવો ટૅક્સ-સ્લૅબ આપવાનું કારણ એ છે કે જેમની વાર્ષિક આવક ૧૨ લાખથી વધુ હોય તેઓ આ સ્લૅબને ફૉલો કરી શકે. કારણ કે આપણી કરપ્રણાલીમાં પ્રોગ્રેસિવ ટૅક્સિંગ સિસ્ટમ કામ કરે છે જેથી કરદાતાઓને સ્લૅબનો લાભ મળી શકે. આમ ૧૨ લાખથી વધુ આવક ધરાવતો વર્ગ નવા સ્લૅબ પ્રમાણે ટૅક્સની ગણતરી કરીને ભરે તો તેમને એમાં રાહત મળે છે. 


ઇન્કમ ટૅક્સનું નવું બિલ નાણાપ્રધાન એક સપ્તાહમાં જાહેર કરવાનાં છે એવું કહેવાયું છે, જ્યારે બજેટમાં જાહેર કરાયેલી સીધા વેરાની અન્ય રાહતમાં શું છે એ પણ જાણી લેવું જોઈએ.

વરિષ્ઠ નાગરિકોને વધુ વેરારાહત


સિનિયર સિટિઝન્સ માટે નાણાપ્રધાને વ્યાજ પર લાગુ થતા ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS)માં સુધારો કરીને રાહત આપી છે. અગાઉ વરિષ્ઠ નાગરિકોને ૫૦,૦૦૦ રૂપિયા સુધીની વ્યાજની આવક પર TDS લાગુ થતો નહોતો, હવે આ મર્યાદા એક લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. અર્થાત્ એક લાખ સુધીનું વ્યાજ TDS પાત્ર નહીં રહે. બજેટે સિનિયર સિટિઝન્સને તેના નૅશનલ સેવિંગ્સ સ્કીમમાંથી નાણાંના ઉપાડને કરમુક્તિ આપવાની દરખાસ્ત રજૂ કરી છે જે ૨૯ ઑગસ્ટ ૨૦૨૪થી લાગુ ગણાશે એટલે કે આ તારીખના અથવા એ પછીના ઉપાડને કરમુક્તિ રહેશે. એ ઉપરાંત તેમની ભાડાની આવકની કરમુક્તિ અત્યાર સુધી ૨.૪ લાખ રૂપિયા સુધીની હતી અને હવે આ મર્યાદા વધારીને ૬ લાખ રૂપિયાની કરવામાં આવી છે. 

ટૅક્સ-એક્સપર્ટ સ્નેહલ મુઝુમદાર કહે છે...
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સ્નેહલ ન. મુઝુમદાર સીધા વેરાના સુધારા બાબતે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે ‘આ અંદાજપત્રમાં દેખીતી રીતે કરવેરા વધ્યા નથી અને આવકવેરા ધારા હેઠળ કરદાતા માટે નવા સ્લૅબ પણ રજૂ કરવામાં આવ્યા છે, જે આવકાર્ય છે. આને કારણે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક સુધી આવકવેરો ભરવાનો રહેશે નહીં. જોકે આ આવકમાં કૅપિટલ ગેઇનની આવકનો સમાવેશ થતો નથી. કૅપિટલ ગેઇનની આવક જુદી ગણાશે અને એ કરપાત્ર પણ રહેશે. અલબત્ત, આ રાહતોને લીધે કરદાતાના હાથમાં નાણાં વધશે જેનાથી ખરીદીનો પાવર વધશે અને એનો લાભ આડકતરી રીતે ઔદ્યોગિક કંપનીઓને પણ મળશે. જોકે રૂપિયાનું ઘટતું જતું મૂલ્ય જોતાં આ વધારો અનઅપેક્ષિત નથી. ટૂંક સમયમાં નવો સરળ આવકવેરો ધારો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેની રાહ જોવી રહી.’

અપડેટેડ રિટર્ન ફાઇલિંગની મુદત વધારવામાં આવી
નાણાપ્રધાને અપડેટેડ ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત બે વર્ષથી વધારીને હવે ચાર વર્ષની કરી છે. આ સુવિધા સરકારે ૨૦૨૨માં દાખલ કરી હતી, જેમાં જે કરદાતાઓ તેમની અગાઉની ખરી આવક લખવાનું ચૂકી ગયા હોય અને પછીથી સુધારીને રિટર્ન ફાઇલ કરવા માગતા હોય તેમને એ સુવિધા અપાય છે. આ સુવિધા સ્વૈચ્છિક છે. અત્યાર સુધીમાં ૯૦ લાખ કરદાતાઓએ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની આ સવલત લઈને વધારાનો ટૅક્સ ભરવાની જવાબદારી નિભાવી છે. એ માટે હવે વધુ બે વર્ષનો સમય અપાયો છે. 

આવક

સ્લૅબ પર કર અને દર

લાભ

રિબેટ લાભ

કુલ લાભ

રિબેટ પછી
કર લાભ

 

હાલમાં

પ્રસ્તાવિત

દર/સ્લૅબ

૧૨ લાખ રૂપિયા સુધી પૂર્ણ

 

 

૮ લાખ

૩૦,૦૦૦

૨૦,૦૦૦

૧૦,૦૦૦

૨૦,૦૦૦

૩૦,૦૦૦

૯ લાખ

૪૦,૦૦૦

૩૦,૦૦૦

૧૦,૦૦૦

૩૦,૦૦૦

૪૦,૦૦૦

૧૦ લાખ

૫૦,૦૦૦

૪૦,૦૦૦

૧૦,૦૦૦

૪૦,૦૦૦

૫૦,૦૦૦

૧૧ લાખ

૬૫,૦૦૦

૫૦,૦૦૦

૧૫,૦૦૦

૫૦,૦૦૦

૬૫,૦૦૦

૧૨ લાખ

૮૦,૦૦૦

૬૦,૦૦૦

૨૦,૦૦૦

૬૦,૦૦૦

૮૦,૦૦૦

૧૬ લાખ

૧,૭૦,૦૦૦

૧,૨૦,૦૦૦

૫૦,૦૦૦

૫૦,૦૦૦

૧,૨૦,૦૦૦

૨૦ લાખ

૨,૯૦,૦૦૦

૨,૦૦,૦૦૦

૯૦,૦૦૦

૯૦,૦૦૦

૨,૦૦,૦૦૦

૨૪ લાખ

૪,૧૦,૦૦૦

૩,૦૦,૦૦૦

૧,૧૦,૦૦૦

૧,૧૦,૦૦૦

૩,૦૦,૦૦૦

૫૦ લાખ

૧૧,૯૦,૦૦૦

૧૦,૮૦,૦૦૦

૧,૧૦,૦૦૦

૧,૧૦,૦૦૦

૧૦,૮૦,૦૦૦

 

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2025 07:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK