ભારતના વિદેશમંત્રાલયે જવાબ આપ્યો નથી, પરંતુ પાછલાં વર્ષોમાં આવાં તારણોને પક્ષપાતી ગણાવીને નકારી કાઢ્યાં છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પૅનલ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ અમેરિકન સરકારને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતની જાસૂસી એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (R&AW) પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે ટાર્ગેટેડ પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે. USCIRF એ પણ ઇચ્છે છે કે અમેરિકા ભારત પર દબાણ કરે જેથી સ્ટેટ ડિપાર્ટમેન્ટ જેવી અમેરિકન સંસ્થાઓ ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકે. આ પૅનલે ભારતને ખાસ ચિંતાના દેશ તરીકે વર્ગીકૃત કર્યું છે અને વૉશિંગ્ટનને શસ્ત્રોના વેચાણ અને વેપારનીતિઓને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડવા જણાવ્યું છે.
જોકે ભારતના વિદેશમંત્રાલયે USCIRFના તાજેતરના અહેવાલનો જવાબ આપ્યો નથી, પરંતુ એણે પાછલાં વર્ષોમાં એનાં તારણોને પક્ષપાતી ગણાવીને નકારી કાઢ્યાં છે. ૧૯૯૮માં કૉન્ગ્રેસના એક અધિનિયમ દ્વારા બનાવવામાં આવેલી USCIRF વિદેશમાં ધર્મ અથવા માન્યતાની સ્વતંત્રતાના સાર્વત્રિક અધિકાર પર નજર રાખે છે અને અમેરિકાના પ્રેસિડન્ટ, વિદેશપ્રધાન અને કૉન્ગ્રેસને ભલામણો કરે છે.
ADVERTISEMENT
પૅનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ઘણાં રાજ્યોએ ધર્માંતરણવિરોધી કાયદા રજૂ કરવા અથવા મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા છે જેથી જેલની સજા વધુ કડક બને. ભારતીય સત્તાવાળાઓએ નાગરિકો અને ધાર્મિક શરણાર્થીઓની અટકાયત અને ગેરકાયદે હકાલપટ્ટીને પણ સરળ બનાવી છે. આ અહેવાલમાં વકફ (સુધારો) અધિનિયમ જેવા કાયદાઓની ટીકા કરવામાં આવી હતી.
USCIRFએ મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં સાંપ્રદાયિક અથડામણોનો ઉલ્લેખ કર્યો હતો અને હિંસા માટે RSS સંલગ્ન વિશ્વ હિન્દુ પરિષદ જેવાં જૂથોને જવાબદાર ઠેરવ્યાં હતાં.
