પહેલા તબક્કાની ચૂંટણીમાં ૨૪૩ બેઠકોમાંથી ૧૮ જિલ્લામાં ૧૨૧ બેઠકો પર મતદાન, ૧૩૧૪ ઉમેદવારો મેદાનમાં
બિહારમાં આજે થનારા મતદાનમાં લોકોએ પોતાનો મત આપવા જવું જોઈએ એની જાગૃતિ ફેલાવવા માટે બાંકામાં કેટલાક વિદ્યાર્થીઓ ગઈ કાલે સ્કૂલના મેદાનમાં હિન્દીમાં ‘વોટ મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ’ એવું વંચાય એવા આકારમાં ઊભા રહ્યા હતા.
બિહારમાં વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી પૈકી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૮ જિલ્લાઓના ૧૨૧ મતવિસ્તારોમાં મતદારો આજે મતદાન કરશે. બાકીની ૧૨૨ બેઠકો પર બીજા તબક્કામાં ૧૧ નવેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવ, તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ (જનશક્તિ જનતા દલ), નાયબ મુખ્ય પ્રધાન અને BJPના નેતા સમ્રાટ ચૌધરી અને ગાયકમાંથી ઉમેદવાર બનેલા મૈથિલી ઠાકુર સહિત અગ્રણી ઉમેદવારો છે. આ રાઉન્ડમાં કુલ ૧૩૧૪ ઉમેદવારોમાં મેદાનમાં છે.
રાઘોપુરમાં તેજસ્વી યાદવ
ADVERTISEMENT
રાઘોપુર બેઠક RJD માટે એક પારિવારિક બેઠક માનવામાં આવે છે. RJDના નેતા તેજસ્વી યાદવ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેજસ્વીએ ૨૦૧૫ અને ૨૦૨૦માં BJPના સતીશ કુમારને હરાવ્યા હતા. NDA તરફથી સતીશ યાદવ તેમને પડકાર આપી રહ્યા છે, જ્યારે જન સુરાજ પાર્ટીના ચંચલ કુમાર પણ મેદાનમાં છે. યાદવ-પ્રભુત્વવાળી રાઘોપુર બેઠક ૧૯૯૫થી RJD પરિવાર પાસે છે. ૨૦૧૦થી ૨૦૧૫ના સમયગાળામાં JD(U)એ આ બેઠક પર કબજો જમાવ્યો હતો.
મહુઆમાં તેજ પ્રતાપ યાદવ
વૈશાલી જિલ્લાની મહુઆ વિધાનસભા બેઠક પર લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ નવી બનાવેલી જનશક્તિ જનતા દલ (JJD)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમને મે મહિનામાં RJDમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને હવે તેમનો સામનો RJDના વિધાનસભ્ય મુકેશ કુમાર રૌશન સાથે છે. લોક જનશક્તિ પાર્ટીના સંજય કુમાર સિંહે આ ચૂંટણીમાં ત્રીજો મોરચો ઉમેર્યો છે.
સોશ્યલ મીડિયા પોસ્ટ બાદ કથિત ગેરવર્તણૂક બદલ તેજ પ્રતાપને RJDમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમની હકાલપટ્ટી પછી તેઓ જનશક્તિ જનતા દલના બૅનર હેઠળ પોતાનો આધાર ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ૨૦૧૫માં આ બેઠક જીત મેળવી હતી.
તારાપુરમાં સમ્રાટ ચૌધરી
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી મુંગેર જિલ્લાની તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સીધો મુકાબલો RJDના અરુણ કુમાર શાહ સાથે છે. જન સુરાજ પાર્ટીના સંતોષ કુમાર સિંહ અને તેજ પ્રતાપ યાદવના જનશક્તિ જનતા દલના સુખદેવ યાદવ પણ મેદાનમાં છે. આ બેઠક પર જબરદસ્ત સ્પર્ધા થવાની ધારણા છે, કારણ કે મતદારોના સૌથી મોટા જૂથમાં યાદવોનો સમાવેશ થાય છે જેમની સંખ્યા લગભગ ૬૩,૦૦૦ છે. એમાં લગભગ ૨૦,૦૦૦ મુસ્લિમો, ૫૦,૦૦૦ ઉચ્ચ જાતિઓ (રાજપૂત, બ્રાહ્મણો), ૪૦,૦૦૦ કુશવાહા, ૩૫,૦૦૦ સાહ અને ૨૮,૦૦૦ દલિતો છે. હાલમાં વિધાન પરિષદના સભ્ય એવા સમ્રાટ ચૌધરી ૧૫ વર્ષ પછી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શાહ ૨૦૨૧ની પેટાચૂંટણીમાં તારાપુરથી ચૂંટણી લડ્યા હતા અને JD(U)ના રાજીવ કુમાર સિંહ સામે ૩૮૦૦ મતોથી હારી ગયા હતા.


