વસઈ-દીવા લાઇનના કામણ રોડ સ્ટેશનથી ટ્રેનમાં ચડી ગયો અને ભટકતો રહ્યો, દાદર સ્ટેશનથી મળ્યો
નાયગાવ પોલીસે બાળકને તેનાં મમ્મી-પપ્પાને સોંપ્યો હતો.
૧૦ રૂપિયા ખોવાઈ જતાં પપ્પા વઢશે એવા ડરથી ૨૪ ઑક્ટોબરે ઘર છોડીને જતા રહેલા નાયગાવ-ઈસ્ટના ચિંચોટી પાચોરીપાડામાં રહેતા ૬ વર્ષના છોકરાને નાયગાવ પોલીસે દાદર રેલવે સ્ટેશનથી શોધી કાઢીને તેનાં મમ્મી-પપ્પાને સોંપ્યો હતો. ૨૪ ઑક્ટોબરની સાંજે બાળકના પપ્પા અવિનાશ ગિરિએ નાયગાવ પોલીસ-સ્ટેશનમાં દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી
એના આધારે પોલીસે તેને શોધવા માટે નાયગાવના અનેક વિસ્તાર તેમ જ વેસ્ટર્ન રેલવેનાં તમામ સ્ટેશનનાં ૨૦૦થી વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં.
નાયગાવના પોલીસ-ઇન્સ્પેક્ટર ગણેશ કેકને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ ઑક્ટોબરની સાંજે બાળકને પિતાએ ૫૦ રૂપિયા આપીને દૂધ લેવા મોકલ્યો હતો. ૪૦ રૂપિયાનું દૂધ લઈને છોકરો ઘરે આવી રહ્યો હતો ત્યારે ઘર નજીક તેને જાણ થઈ કે હાથમાંથી ૧૦ રૂપિયાની નોટ રસ્તામાં ક્યાંક પડી ગઈ છે. એટલે તેણે પાછા ફરી દૂધની દુકાન અને આસપાસના વિસ્તારમાં ૧૦ રૂપિયા શોધી જોયા પણ ક્યાંય ન મળતાં ઘરે જશે તો પપ્પા વઢશે અને ગુસ્સામાં માર મારશે એવા ડરથી ઘરે ન જતાં તે કામણ રોડ રેલવે-સ્ટેશન તરફ ચાલ્યો ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો હતો. ત્યાર બાદ છેલ્લા ૧૦ દિવસ સુધી તે અનેક ટ્રેનમાં ફરતો રહ્યો હતો. અમને ફરિયાદ મળ્યા બાદ અમે તેના ઘર નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં તે કામણ રોડ રેલવે-સ્ટેશન તરફ જતો દેખાયો હતો. ત્યાર બાદ કામણ રોડ, વસઈ, નાલાસોપારા, દાદર અને મહાલક્ષ્મી રેલવે-સ્ટેશનો પરનાં ૨૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં તે દાદર સ્ટેશને જોવા મળ્યો હતો. એ પછી દાદર રેલવે પોલીસને જાણ કરતાં તેમને દાદર રેલવે-સ્ટેશને રવિવારે છોકરો મળ્યો હતો. તેણે કહ્યું હતું કે પપ્પા વઢશે એવા ડરથી હું ઘરે નહોતો ગયો. ૧૦ દિવસ હું ટ્રેનમાં જ ફરતો હતો અને જે મળે એ ખાતો હતો. જોકે એ પછી બાળકની ઓળખ ચકાસીને તેને સુરક્ષિત તેનાં મમ્મી-પપ્પાને સોંપી દેવામાં આવ્યો હતો.’


