તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ : પહાડોની રાણીમાં ઑક્ટોબર જેવી ગરમી જાન્યુઆરીમાં જોવા મળી
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ૨૦૦૬ બાદ આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી મહત્તમ તાપમાન નોંધાયું છે. શુક્રવારે શિમલામાં તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ પહેલાં ૨૦૦૬માં ૩૦ જાન્યુઆરીએ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પહાડોની રાણી તરીકે ઓળખાતા શિમલામાં ઑક્ટોબર જેવી ગરમી જાન્યુઆરી મહિનામાં જોવા મળી રહી છે.
આ સંદર્ભે સ્થાનિક હવામાન ખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘શુક્રવારે સેકન્ડ હાઇએસ્ટ મિનિમમ ટેમ્પરેચર ૧૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલાં ૨૦૦૯માં ૨૪ જાન્યુઆરીએ મિનિમમ ટેમ્પરેચર ૧૨.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.’
ADVERTISEMENT
શિમલામાં ડિસેમ્બર મહિનામાં ભારે સ્નોફૉલ બાદ વાતાવરણમાં હવે ગરમી વધવા લાગી છે. હવે ઠંડીના પ્રકોપ કરતાં ગરમીના ચટકા લાગી રહ્યા છે. દિવસે તાપમાં બેસવું અસહ્ય બની ગયું છે અને રાત્રિના સમયે પણ વધારે ઠંડક મહેસૂસ થતી નથી. જો આ રીતે ગરમી વધશે તો શિયાળાની અસર જલદી સમાપ્ત થઈ જશે.