મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરળી ગામમાં રહેતા દહિફળે પરિવાર માટે ખુશીનો અવસર આવ્યો છે. સતત ૪ પેઢીની લાંબી પ્રતીક્ષા બાદ, ૨૦૦ વર્ષ પછી પરિવારમાં પહેલી વાર દીકરીનો જન્મ થયો છે.
૨૦૦ વર્ષ પછી પરિવારમાં જન્મ્યાં સાક્ષાત્ લક્ષ્મીજી, વાજતેગાજતે રથમાં લાવ્યા ઘરે
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરળી ગામમાં રહેતા દહિફળે પરિવાર માટે ખુશીનો અવસર આવ્યો છે. સતત ૪ પેઢીની લાંબી પ્રતીક્ષા બાદ, ૨૦૦ વર્ષ પછી પરિવારમાં પહેલી વાર દીકરીનો જન્મ થયો છે. પાંચમી પેઢીએ ઘરમાં નવજાત બાળકીના સ્વરૂપમાં સાક્ષાત્ લક્ષ્મીજીનું આગમન થયું છે.
હૉસ્પિટલમાંથી રજા મળતાં જ દહિફળે પરિવારે નવજાત બાળકી અને તેની માતાને ફૂલોથી સજાવેલા રથમાં બેસાડીને આખા શહેરમાં ઢોલ-નગારાં સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ એવા બાળકીના દાદા લિંબાજી દહિફળે અને દાદી આ ક્ષણે અત્યંત ભાવુક થઈ ગયાં હતાં. દાદાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ઘરમાં દીકરી હોવી એ સૌભાગ્યની વાત છે. અમે તેને ફૂલની જેમ સાચવીને ઉછેરીશું.’
આજના જમાનામાં જ્યાં લોકો પુત્રની ઝંખના રાખે છે ત્યાં આ પરિવારે દીકરીના જન્મનો ભવ્ય ઉત્સવ મનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બીડ જિલ્લો એક સમયે સ્ત્રીભ્રૂણહત્યા અને સૌથી નીચા જન્મપ્રમાણ માટે કુખ્યાત હતો. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ત્યાં દર ૧૦૦૦ દીકરાએ માત્ર ૮૦૧ દીકરીઓ હતી. આજે આ જ બીડ જિલ્લામાં ૪ પેઢી પછી નવજાત પુત્રીને રથમાં બેસાડીને વધાવવાનો પ્રસંગ આવતાં એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને એને બેટી બચાઓનો જીવતો સંદેશ માનવામાં આવી રહ્યો છે.
