ગોવિંદ તેના ઘરમાં જમીન પર જ પથારી પાથરીને સૂતો હતો. સવારે ઊઠીને તે પથારી વાળવા ગયો તો એ જ વખતે તેના હાથ પર કાળોતરો સાપ પડ્યો
ગોવિંદ નામના ૩૨ વર્ષના યુવક પર અચાનક જ સાપનો હુમલો થયો
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં ગોવિંદ નામના ૩૨ વર્ષના યુવકે અચાનક જ સાપનો હુમલો થતાં જે કર્યું એ સૌને અચંબિત કરી દેનારું હતું. ગોવિંદ તેના ઘરમાં જમીન પર જ પથારી પાથરીને સૂતો હતો. સવારે ઊઠીને તે પથારી વાળવા ગયો તો એ જ વખતે તેના હાથ પર કાળોતરો સાપ પડ્યો. સાપ તેને ડસવા ગયો તો ગોવિંદે તરત જ એનું મોં હાથમાં પકડી લીધું. ગોવિંદ એટલો ડરેલો હતો કે તેણે હાથની મુઠ્ઠી જોરથી વાળી દીધી. પહેલાં તો તે ડરથી થથરતો રહ્યો અને મુઠ્ઠીની પકડ જોરથી વધારતો ગયો. જોકે જ્યારે તે થાકી ગયો ત્યારે તેણે જોરજોરથી બચાવવા માટે બૂમો લગાવી. પરિવારજનો દોડી આવ્યા અને ત્યાં સુધીમાં તે ગભરાઈને નીચે પડી ગયો. તેના હાથની પાસે જ કાળોતરો પડેલો જોઈને તરત જ તેને ગામના કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ કહ્યું કે ગોવિંદ ડરને કારણે બેભાન થઈ ગયો છે, બાકી કાળોતરાએ તેને ડંખ માર્યો હોય એવાં નિશાન ક્યાંય નથી. ડરમાં તેણે સાપને પકડીને મસળી નાખ્યો હોવાથી સાપ હાથમાં જ મરી ગયેલો.

