ચીનના લાઓઝુન પહાડ પર ‘ક્લાઉડ ઑબ્ઝર્વર’ની એક નોકરી માટે ૩૬૦૦ લોકોએ અરજી કરી હતી. ૨૨ વર્ષના લી સિચેનને નોકરી મળી, પરંતુ વાદળાં જોવાની આ નોકરી અપેક્ષા કરતાં ઘણી મહેનતભરી નીકળી.
ચીનમાં આરામથી વાદળાં જોવાની નોકરી માટે ૩૬૦૦ અરજી આવી, જોકે જેને નોકરી મળી તેનો દમ નીકળી ગયો
ચીનના હેનાન પ્રાંતમાં લાઓઝુન પહાડ પર ક્લાઉડ ઑબ્ઝર્વરના કામ માટે એક ભરતી નીકળી હતી. આ એક પદ માટે લગભગ ૩૬૦૦ લોકોએ અરજી કરી હતી. આ કામમાં વાદળાં જોવાનું કામ કરવાનું છે. જોકે આ નોકરી મેળવવાનું કામ અઘરું હતું. ઉમેદવારે ચીની સોશ્યલ મીડિયા પર ખાસ હૅશટૅગ સાથે પોતાનો એક ઓરિજિનલ વિડિયો નાખવાનો હતો અને શરત એ હતી કે જેની કન્ટેન્ટની ક્વૉલિટી સારી હશે અને વધુ લાઇક્સ મળ્યાં હશે તેને નોકરી મળશે.
બાવીસ વર્ષના કન્ટેન્ટ-ક્રીએટર લી સિચેનને આ નોકરી મળી હતી. આ નોકરીમાં સમુદ્રતળથી ૭૨૦૦ ફુટ ઊંચે રહીને વાદળાંની મૂવમેન્ટ મૉનિટર કરવાની છે. નોકરી મળ્યા પછી લીભાઈને સમજાયું કે જેને આરામની નોકરી કહેવામાં આવતી હતી એ તો ખરેખર દમ કાઢી નાખે એવી છે. હવે તેના દિવસની શરૂઆત સવારે ૪.૫૦ વાગ્યે થઈ જાય છે. તેણે કૅમેરા લઈને સૂર્યોદયથી લઈને સાંજે સૂરજ ડૂબે ત્યાં સુધી શૂટિંગ કરવાનું છે. વરસાદ હોય કે તડકો, તેણે રોજ એક ઓરિજિનલ શૉર્ટ વિડિયો પબ્લિશ કરવાનો છે.
