ઇન્દોરના એક આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે સમૂહલગ્ન કરાવી આપવાનું કહીને કેટલાક દલાલોએ પુરુષો પાસેથી લગ્નના બેસિક ખર્ચ પેટે ૧૫થી ૨૫ હજાર રૂપિયા પણ ઉઘરાવ્યા હતા
લગ્નના નામે ઇમોશન્સ સાથે થયેલી રમત માટે પરિવારજનો વધુ દુખી હતા
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં લગ્નના નામે ૪૨ પુરુષોને ઠગવામાં આવ્યા હતા. એમાં માત્ર પૈસાની છેતરપિંડી જ નહોતી થઈ, આ પુરુષો સાથે ઇમોશનલ ખેલ પણ ખેલવામાં આવ્યો. એક ટોળકીએ પુરુષોને મૉડલ જેવી દેખાતી યુવતીઓના ફોટો બતાવીને એ અનાથાશ્રમની કન્યાઓ છે એવું કહ્યું હતું. આ કન્યાઓ સાથે તેઓ સમૂહમાં લગ્ન કરાવી આપશે એવી ખાતરી આપી. ઇન્દોરના એક આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે સમૂહલગ્ન કરાવી આપવાનું કહીને કેટલાક દલાલોએ પુરુષો પાસેથી લગ્નના બેસિક ખર્ચ પેટે ૧૫થી ૨૫ હજાર રૂપિયા પણ ઉઘરાવ્યા હતા. નિશ્ચિત કાર્યક્રમની તારીખે આ યુવકો લગ્ન માટે તેમને કહેવામાં આવેલું એ સ્થળે પહોંચ્યા તો લગ્નની તૈયારીઓ પણ થયેલી હતી. જોકે ત્યાં એકેય દુલ્હન કે અનાથાશ્રમના માણસોમાંથી કોઈ નહોતું. છેક સાંજ સુધી રાહ જોવા છતાં ન કોઈ દુલ્હન ત્યાં આવી ન કોઈ આશ્રમનો માણસ. જ્યારે તેમને સમજાયું કે તેઓ ઠગાઈ ગયા છે ત્યારે દુલ્હાઓ અને તેમના પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લગ્નના નામે ઇમોશન્સ સાથે થયેલી રમત માટે પરિવારજનો વધુ દુખી હતા.
