રોબોને આવતો જોયા પછી પણ બાળક ખસ્યો નહીં એને કારણે રોબોનો મેટલનો હાથ તેને જોરથી વાગ્યો હતો
યુનિટ્રી હ્યુમનૉઇડ રોબો
ચીનમાં શાન્ક્સી પ્રાંતમાં એક પબ્લિક ડાન્સ-શો દરમ્યાન એક યુનિટ્રી હ્યુમનૉઇડ રોબોએ ભૂલથી એક છોકરાના ચહેરા પર થપ્પડ લગાવી દીધી એ પછી જાહેર જગ્યાઓએ હ્યુમનૉઇડ રોબોને તહેનાત કરવાથી ઊભાં થતાં સુરક્ષાનાં જોખમો વિશે ચર્ચા જાગી છે. ૨૧ માર્ચે બનેલી આ ઘટનામાં રોબો માણસોથી ઘેરાયેલા એક સર્કલમાં ફરતો અને કિક મારીને ડાન્સ કરતો હતો. એવામાં રોબો નજીકમાં ઊભેલા એક છોકરાને ટકરાઈ જાય છે. એમ થતાં જ રોબોનો હૅન્ડલર તરત જ મશીનને દૂર ખેંચીને લઈ જવાની કોશિશ કરે છે, પરંતુ રોબો એની અંદર કરવામાં આવેલા સેટ રૂટીન પ્રોગ્રામને ચાલુ રાખી રહ્યો હતો. એને કારણે એના હાથ આમતેમ વીંઝાઈ રહ્યા હતા અને એમાં જ તે બાળકને લાફો લાગી ગયો હતો. વિડિયો જોયા પછી મોટા ભાગના લોકોનું રીઍક્શન હતું કે આ ખરેખર ખતરનાક પર્ફોર્મન્સ હતો. રોબોને આવતો જોયા પછી પણ બાળક ખસ્યો નહીં એને કારણે રોબોનો મેટલનો હાથ તેને જોરથી વાગ્યો હતો.
