છત્તીસગઢની એક સરકારી સ્કૂલની હેડમાસ્તરને શનિવારે એક પ્રશ્નપત્રમાં સ્પેલિંગની મિસ્ટેકને કારણે નોકરી ખોવાનો વારો આવ્યો હતો
પ્રશ્નપત્ર
છત્તીસગઢની એક સરકારી સ્કૂલની હેડમાસ્તરને શનિવારે એક પ્રશ્નપત્રમાં સ્પેલિંગની મિસ્ટેકને કારણે નોકરી ખોવાનો વારો આવ્યો હતો. સ્પેલિંગની એક ભૂલને કારણે અનેક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આરોપ લગાવાયો હતો. વાત એમ હતી કે ચોથા ધોરણના ઇંગ્લિશના પ્રશ્નપત્રમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘મોનાના કૂતરાનું નામ શું છે?’ એ સવાલના મલ્ટિપલ જવાબોમાંથી એક જવાબ હતો Ramu. જોકે ભૂલથી u લખવાનો રહી ગયો અને લખાયું માત્ર Ram. આ પ્રશ્નપત્ર સોશ્યલ મીડિયા પર આવતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત અનેક સંગઠનોએ મહાસમંદ જિલ્લાના કલેક્ટરને ફરિયાદ કરી. જાણીજોઈને અને ખરાબ ઇરાદાથી ધાર્મિક વિશ્વાસનું અપમાન કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી હતી. સાથે જ આ પ્રશ્નપત્ર કાઢનાર હેડમાસ્તરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.


