છત્તીસગઢમાં એક પ્રોફેસરે સીલબંધ પ્રશ્નપત્ર ખોલ્યા વિના એન્ડોસ્કોપિક કૅમેરાથી ફોટો લઈને પેપર લીક કર્યું. ૧૨,૦૦૦ રૂપિયામાં પેપર વેચવાના કેસમાં પ્રોફેસર સહિત પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ થઈ.
હાઈ-ટેક પેપર-લીક કાંડ : સીલબંધ પેપર ચોરવા પ્રોફેસરે વાપર્યો એન્ડોસ્કોપિક કૅમેરા
પરીક્ષામાં પેપર લીક કરવા માટે ચાલબાજ લોકો કેવા ચિત્ર-વિચિત્ર નુસખા અપનાવતા હોય છે એના જીવંત ઉદાહરણરૂપ એક ચોંકાવનારો કિસ્સો છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક પ્રાઇવેટ ઍગ્રિકલ્ચર કૉલેજના ૩૮ વર્ષના પ્રોફેસર યોગેશ સોનકેસરિયાએ ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયનું ઍગ્રિકલ્ચરનું પેપર લીક કરવા માટે તબીબી ક્ષેત્રે વપરાતા એન્ડોસ્કોપિક કૅમેરાનો અનોખો ઉપયોગ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ‘પ્રોફેસરને ૨૦ ઑગસ્ટે લેવાનારા પેપરનું સીલબંધ કવર ૧૭ ઑગસ્ટે જ મળી ગયું હતું. સીલબંધ એન્વેલપ (કવર) ખોલ્યા વિના જ તેણે કવરમાં એક સોય નાખી હતી. એ સોય સાથે પેટમાં અંદરની તપાસ કરવા માટે વપરાતા એન્ડોસ્કોપિક કૅમેરાનો ઉપયોગ કર્યો હતો. આવા નકલી કૅમેરા ૨૫૦૦ રૂપિયામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કૅમેરાથી તેમણે અંદર મૂકેલા પેપરનો ફોટો લઈ લીધો હતો અને પછી વિડિયોમાં જે દેખાયું એ હાથેથી લખીને પ્રશ્નપત્ર લીક કરી દીધું હતું. સોય જેવડું કાણું હોવાથી એને પાછું સીલ કરી દેવામાં પણ કોઈ તકલીફ નહોતી પડી.
પ્રોફેસરે આ પેપર કેટલાક વિદ્યાર્થીઓને ૧૨,૦૦૦ રૂપિયામાં વેચ્યું હતું. પેપર-લીકની જાણ થતાં જ ૧૫૦૦ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ હાઈ-ટેક ચોરીનો પર્દાફાશ કરવા માટે ૧૦૦થી વધુ પોલીસની ટીમ કામે લાગી હતી. આખરે સાઇબર સેલે લોકેશન અને મેસેજ ટ્રેસ કરીને પ્રોફેસર સહિત પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
