Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુલેશ્વરચા રાજાને પડતા બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા, પણ મૂર્તિ બહુ જ વજનદાર હતી

ભુલેશ્વરચા રાજાને પડતા બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા, પણ મૂર્તિ બહુ જ વજનદાર હતી

Published : 24 August, 2026 07:16 AM | Modified : 24 August, 2026 07:43 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

તૂટી ગયેલી મૂર્તિના પાછળના પોલાણવાળા ભાગમાંથી અંદર જઈને લોકોને ઉગારી લેવાયા

ભુલેશ્વરની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બ્રિજેશ જોશી.

ભુલેશ્વરની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બ્રિજેશ જોશી.


ભુલેશ્વરની આ ઘટના જ્યાં બની એ રામમંદિર બિલ્ડિંગ (જૂનું નામ - નવું નામ શ્રીપતિ આરાધના)માં રહેતા બ્રિજેશ જોશીનું આ દુર્ઘટનામાં પોતાના ઘરની સામે જ મૃત્યુ થયું હતું. એ વિશે અને આ ઘટના વિશે માહિતી આપતાં એ જ બિલ્ડિંગમાં રહેતા એ બનાવ વખતે ત્યાં હાજર બ્રિજેશના મિત્ર ધનેલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધા ગેટ પર જ હતા. અમારે બાપ્પાના આગમન વખતે આરતી કરવાની હતી. બાપ્પાની મૂર્તિ પડી એ પહેલાં જ અંદાજ આવી ગયો હતો. એક મોટો જર્ક આવ્યો અને મૂર્તિ સહેજ વધારે ઝૂકી હતી. એથી એવું લાગ્યું પણ ખરું કે મૂર્તિ પડી શકે એમ છે. એથી કેટલાક લોકોએ એને સપોર્ટ આપીને એ પડે નહીં માટે એ માટે એને પકડવાની, પડતા રોકવાની કોશિશ કરી હતી. જોકે કેટલીક સેકન્ડોમાં જ પહેલાં હાર પડ્યો હતો અને પછી મૂર્તિ ઝૂકીને પડી ગઈ હતી. મૂર્તિ તૂટી પડતાં જ હાહાકાર મચી ગયો હતો. મંડળના પ્રેસિડન્ટ સંકેત નેવશે અને બ્રિજેશ બન્ને મૂર્તિની ટ્રૉલીની આગળ ચાલી રહ્યા હતા અને ક્રાઉડ મૅનેજ કરી રહ્યા હતા. તે બન્ને મૂર્તિની નીચે દબાઈ ગયા હતા. બીજા પંદરથી ૧૭ લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. તેમને નાની-મોટી ઈજા થઈ છે. કોઈને હાથમાં તો કોઈને પગમાં ફ્રૅક્ચર થયું છે. મૂર્તિની આગળ ટ્રૉલી પર નાનાં બાળકો બેઠાં હતાં તેમનો આબાદ બચાવ થયો હતો. મૂર્તિની રચનામાં ગણપતિ જેના પર બિરાજમાન હતા એ ભાગ (શેષનાગના ફીંડલાનું સિંહાસન)થી મૂર્તિ છૂટી પડી ગઈ હતી. એથી એની વચ્ચે ગૅપ રચાઈ ગયો અને એટલે એ બધાં જ બાળકો બચી ગયાં. તરત જ અમે ૧૦૦ જેટલા લોકોએ મૂર્તિને ઉપાડીને એની નીચે ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ મૂર્તિ અંદાજે ૨.૫ ટન કરતાં વધુ વજનની હતી એટલે અમે એને સહેજ પણ હલાવી નહોતા શકયા. એ પછી અમે લોકોએ તૂટેલી મૂર્તિના પાછળના પોલાણવાળા હિસ્સામાંથી મૂર્તિની અંદર જઈને એની સાઇડમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા. મૂર્તિમાં એના ઍક્ચ્યુઅલ મટીરિયલ સાથે લોખંડના સળિયા પણ હતા એટલે મૂર્તિ બહુ હેવી હતી. અમે ક્રેન બોલાવીને એને હટાવવાના પ્રયાસ કર્યા હતા. એનાથી પણ એ નહોતી હટી. એ પછી બીજી ક્રેન બોલાવી અને બે ક્રેન પછી એને ઉપાડી શકાઈ હતી. બ્રિજેશ અને સંકેત બરાબર મૂર્તિના વચ્ચેના ભાગમાં હતા એટલે તેમને બહાર કાઢવામાં વાર લાગી હતી અને તેમનાં મોત થયાં હતાં.’

સંકેત નેવશેનો પરિવાર શિવસેના સાથે જોડાયેલો છે
ચીરાબજારમાં રહેતા મંડળના પ્રેસિડન્ટ સંકેત નેવશેના પિતા જગન્નાથ નેવશે પણ મંડળમાં ઍક્ટિવ હતા અને સેક્રેટરી રહી ચૂક્યા છે. બે વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયા બાદ તેમની જવાબદારી સંકેતે ઉપાડી લીધી હતી એમ જણાવતાં એક સ્થાનિક સામાજિક કાર્યકરે કહ્યું હતું કે ‘તેમનો પરિવાર શિવસેના સાથે જોડાયેલો છે. સંકેત અનમૅરિડ હતો. તેમની ફૅમિલીનો વૉટર-ટૅન્કરનો બિઝનેસ છે અને ભાડાની પણ આવક છે. દુર્ઘટના બનતાં અમે બધા જ દોડ્યા હતા અને મૂર્તિ હટાવવાની કોશિશ કરી હતી, પણ હેવી મૂર્તિ જરા પણ હલી જ નહીં. ક્રેન બોલાવીને મૂર્તિ હટાવવામાં આવી ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ગયું હતું.’



મમ્મી સ્વર્ગસ્થ ભાઈની રાખડી આપવા ડોમ્બિવલી ગયાં હતાં 
બ્રિજેશ વિશે માહિતી આપતાં તેનાં મામીએ કોમલ વ્યાસે કહ્યું હતું કે ‘બ્રિજેશના દાદાના વખતથી તેમના ઘરે દર વર્ષે ૧૦ દિવસના ગણપતિની પધરામણી થાય છે. આખો પરિવાર ગણપતિબાપ્પામાં ભરપૂર શ્રદ્ધા રાખતો હતો. તે ઘરમાં ૧૦ દિવસ ગણપતિની પૂજા કરે અને મંડળના ગણપતિની પણ પૂજા કરે. આખા વિસ્તારના બધા જ ગણપતિનાં દર્શન કરીને લાલબાગ પણ જાય. આમ ગણપતિબાપ્પા માટે તેને બહુ જ લગાવ હતો. બાપ્પાએ તેને પોતાનામાં સમાવી લીધો. નૂતનબહેન શનિવારે સાંજે જ મારા પતિ અને તેમના સ્વર્ગસ્થ ભાઈને ત્યાં અમારા ઘરે ડોમ્બિવલી રાખડી લઈને પહોંચ્યાં હતાં. રાતના આ સમાચાર આવતાં અમે સીધા હૉસ્પિટલમાં જ ગયા હતા. બ્રિજેશના દીકરાનો પહેલી સપ્ટેમ્બરે બીજો જન્મદિવસ છે એ પણ તે ધામધૂમથી ઊજવવાનો હતો.’ 


બ્રિજેશને બાપ્પામાં બહુ શ્રદ્ધા હતી 
ઈડરની પાસે આવેલા દેત્રોલી ગામના સત્તાવીસ સાબરકાંઠા બ્રાહ્મણ બ્રિજેશ જોશીનો પરિવાર વર્ષોથી એ જ બિલ્ડિંગમાં રહે છે. એ વિશે ધનેલ દોશીએ વધુમાં કહ્યું હતું કે ‘બ્રિજેશને બાપ્પામાં બહુ જ શ્રદ્ધા હતી. બ્રિજેશ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કોઈ પ્રોડક્શન-હાઉસના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જૉબ કરતો હતો. તેનાં મમ્મી નૂતનબહેન અને પત્ની રીમા હાઉસવાઇફ છે. તેને બે વર્ષનો દીકરો રિષીવ છે (રિષીવનો પહેલી સપ્ટેમ્બરે બીજો બર્થ-ડે છે). બ્રિજેશનો નાનો ભાઈ યશ નાનું-મોટું છૂટક કામ કરીને પોતાનો ખર્ચ કાઢી લે છે. જોકે ઘરનું ગુજરાન બ્રિજેશ જ ચલાવતો હતો. અમારા કોઈ પણ ફેસ્ટિવલ હોય એમાં તે હંમેશાં આગળ પડતો ભાગ લેતો હતો. ગઈ કાલે સવારે ૧૧.૩૦થી ૧૨ વાગ્યાની વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’ 


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 07:43 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK