ચીનમાં એક મહિલાના વાળ ભારે મશીનરીમાં ફસાઈ જવાથી તેના માથાના વાળ તાળવા સહિત ઊખડી ગયા હતા
કાનની મૂળ જગ્યા છે ત્યાં સેટ કરવાની સર્જરી હાથ ધરવામાં આવી, જે સફળ રહી.
ચીનમાં એક મહિલાના વાળ ભારે મશીનરીમાં ફસાઈ જવાથી તેના માથાના વાળ તાળવા સહિત ઊખડી ગયા હતા. એ ત્વચાની સાથે કાન પણ આખો ફાટીને નીકળી ગયો હતો. આ વર્ષના એપ્રિલ મહિનામાં વર્કપ્લેસ પર થયેલા આ ભયાનક હાદસા પછી તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી, પરંતુ તેનો જીવ બચી શકે એવી સંભાવનાઓ ખૂબ ઓછી હતી. ચીની ડૉક્ટરોએ માથાની ત્વચાની સારવાર કરવાની સાથે ઊખડી ગયેલા કાનને પણ પ્રિઝર્વ કરવાનું નક્કી કર્યું. તેમણે એ કાનને મહિલાના જ પગ સાથે જોડી દીધો. પગની રક્તવાહિનીઓની સાથે સીવીને કાનના બહારના ભાગને પગ પર જ જીવતો રાખવામાં આવ્યો. એ દરમ્યાન મહિલાની બીજી સારવાર થઈ. જીવ માટે જોખમી કહેવાય એવી સર્જરીઓમાંથી પાર પડ્યા પછી જ્યારે મહિલા પરથી જીવનું જોખમ દૂર થયું એ પછીથી તેના માથા સાથે ફરીથી કાન જોડવાની પ્રક્રિયા કરવામાં આવી. પાંચ મહિના સુધી કાન પગમાં જોડાયેલો રહ્યો. એ પછી પગમાંથી કાન દૂર કરીને એની રક્તવાહિનીઓને માથા પાસે જ્યાં કાનની મૂળ જગ્યા છે ત્યાં સેટ કરવાની સર્જરી હાથ ધરવામાં આવી, જે સફળ રહી.


