ચીનના 23 વર્ષના યુવકને Cutis Verticis Gyrata (CVG) નામની દુર્લભ બીમારી થતાં તેના માથાની ત્વચા અસામાન્ય રીતે જાડી અને કરચલીવાળી બની ગઈ હતી, જેના કારણે માથું જાણે બહારથી મગજ જેવું દેખાતું હતું. અનેક સર્જરી અને સારવાર બાદ હવે તેની સ્થિતિ સામાન્ય થઈ છે.
બીમારીને કારણે પથ્થર જેવી કડક થઈ ગઈ ખોપરી
ચીનના ૨૩ વર્ષના એક યુવકને એવી દુર્લભ બીમારી થઈ છે કે એની ખોપરી પર જાણે મગજ ઊગ્યું હોય એવી ડિઝાઇન પડી ગઈ છે. આ ડિઝાઇન પથ્થર જેવી કડક છે. એમાં માથાની ત્વચા ખૂબ જાડી થઈ જાય છે અને પછી કડક થઈ જવાથી એમાં એવી કરચલીઓ પડી છે જાણે ગૂંચળું વાળીને પડેલું મગજ ખોપરીની બહાર આવી ગયું હોય એવું લાગે છે. કટિસ વર્ટિસિસ જૅઇરાટા (CVG) તરીકે ઓળખાતી આ રૅર બીમારીથી તેના સ્કૅલ્પ પરની ત્વચા જાડી અને કરચલીવાળી થઈ જાય છે. આ રૅર બીમારી બહુ ગણ્યાગાંઠ્યા લોકોને થઈ છે. ચીનના હુનાન પ્રાંતમાં રહેતા લી નામના યુવાનને ૧૪ વર્ષની ઉંમરે પહેલી વાર પોતાના માથા પર કંઈક અસહજ થઈ રહ્યું હોવાનું લાગ્યું હતું. ત્યારથી ધીમે-ધીમે તેની ત્વચા મોટી અને જાડી થતી ગઈ. સતત આ સમસ્યા વધતી જ ગઈ અને માથા પર એવી કરચલીઓ પડી ગઈ જાણે મગજ બહાર આવી ગયું હોય. આ ત્વચા પથ્થર જેવી કડક થઈ ગઈ હતી. ઍડ્વાન્સ મેડિકલ સાયન્સમાં આ સમસ્યાના નિવારણ માટે સર્જરીનો વિકલ્પ છે. લી હાલમાં ૨૩ વર્ષનો છે અને તેણે તાજેતરમાં સર્જરી કરીને સ્કૅલ્પ પરની જાડી ત્વચા કઢાવીને બીજી ત્વચા ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધી છે. ૧૧ મહિના સુધી દવાઓ અને તબક્કાવાર સર્જરીઓ પછી હવે તે નૉર્મલ છે. જોકે ફરીથી આ તકલીફ નહીં થાય એની કોઈ ગૅરન્ટી નથી.
