વાત એમ હતી કે લિબર્ટીના શોરૂમમાંથી આરિફ નામના એક યુવકે ચંપલ ખરીદ્યાં હતાં અને એ ચંપલની ૬ મહિનાની વૉરન્ટી હતી. જોકે ચંપલ એક જ મહિનામાં તૂટી ગયાં. આરિફ તૂટેલાં ચંપલ લઈને શોરૂમમાં ગયો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહક સુરક્ષાના કેસમાં જૂતાંની એક દુકાનના મૅનેજરના નામે બિનજામીનપાત્ર વૉરન્ટ કાઢ્યું હતું. વાત એમ હતી કે લિબર્ટીના શોરૂમમાંથી આરિફ નામના એક યુવકે ચંપલ ખરીદ્યાં હતાં અને એ ચંપલની ૬ મહિનાની વૉરન્ટી હતી. જોકે ચંપલ એક જ મહિનામાં તૂટી ગયાં. આરિફ તૂટેલાં ચંપલ લઈને શોરૂમમાં ગયો. તેણે આ જૂતાં રિપ્લેસ કરી આપવાની ડિમાન્ડ કરી, પણ શોરૂમના મૅનેજરે તેની પાસેથી તૂટેલાં ચંપલ તો લઈ લીધાં, પરંતુ રિપ્લેસમેન્ટ કે પૈસા કશું જ પાછું ન આપ્યું. આ ઘટના પછી આરિફે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી. આ ઘટના ૨૦૨૨ની સાલની છે અને ત્યારથી સીતાપુર જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટે આ બાબતે શોરૂમના મૅનેજરને હાજર રહેવા માટે ઘણી વાર નોટિસ મોકલી, પણ ન તો કોઈ હાજર રહ્યું કે ન તેમના તરફથી કોઈએ પોતાનો જવાબ વાળ્યો. આખરે કોર્ટે ૨૦૨૪માં આદેશ આપ્યો કે આરિફને ચંપલની કિંમતની સાથે માનસિક ઉત્પીડન માટે ૨૫૦૦ રૂપિયા આપવા અને કેસના ખર્ચ તરીકે ૫૦૦૦ રૂપિયા મળીને કુલ ૯૨૦૦ રૂપિયા ચૂકવવા. જોકે કોર્ટના આ આદેશનું પણ શોરૂમે પાલન ન કરતાં તાજેતરમાં જિલ્લા કન્ઝ્યુમર કોર્ટે સીતાપુરની પોલીસને પત્ર લખીને નિર્દેશ કર્યો કે ૨૦૨૬ની બીજી જાન્યુઆરી સુધીમાં મૅનેજર વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડીને મૅનેજરને પકડીને કોર્ટમાં પેશ કરવામાં આવે. સીતાપુરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આલોક સિંહે કહ્યું હતું કે કોર્ટના આ આદેશનું પાલન કરવામાં આવશે.


