ડૉક્ટરોનું માનવું છે કે કદાચ એ જ વખતે ટ્યુબની સાથે સેલોટેપ અંદર જતી રહી હશે જે અંદર જ રહી ગઈ
કન્દેલા રેબાઉન્ડ
આર્જેન્ટિનામાં રહેતી કન્દેલા રેબાઉન્ડ નામની ૩૫ વર્ષની મહિલાને નાનપણથી જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મહિનામાં વીસ દિવસ શરદી રહેતી અને નાક બંધ થઈ જતું. વારંવાર નાક ઝાટકે તો થોડીક વાર નાક ખૂલે, પણ ફરીથી શ્વાસ લેવામાં કંઈક અવરોધ આવતો હોય એવું લાગ્યા કરતું. કન્દેલાની માને હતું કે દીકરીને જન્મથી જ સાઇનસની તકલીફ છે અને સાઇનસ બંધ હોય તો આવું તો થાય. આ વાત તેણે સહજતાથી સ્વીકારી લીધેલી. જોકે કન્દેલા પોતે બે સંતાનોની મા બની એ પછી પણ તેની હાલતમાં કોઈ સુધાર નહોતો થયો એટલે તેણે કેટલીક ટેસ્ટ કરાવીને નાક-કાન-ગળાના નિષ્ણાત પાસે ગઈ તો ખબર પડી કે કોઈ ફૉરેન ઑબ્જેક્ટ નાકમાં ભરાયેલો છે. ઊંડે સાધન નાખીને ડૉક્ટરોએ ચીજ કાઢી તો ખબર પડી કે એ તો સેલોટેપનું ગૂંચળું છે. આ મેડિકલ સેલોટેપ હતી જે નાક-મોં પાસે નળીઓ ચોંટાડવા માટે વપરાતી હોય છે. કન્દેલા પ્રી-મૅચ્યોર જન્મી હતી એટલે તેને શ્વાસ લેવામાં સહાયતા મળે એ માટે નેઝલ ટ્યુબ લગાડવામાં આવેલી. ડૉક્ટરોનું માનવું છે કે કદાચ એ જ વખતે ટ્યુબની સાથે સેલોટેપ અંદર જતી રહી હશે જે અંદર જ રહી ગઈ.


