દુલ્હન છોકરાની જેમ સજે અને દુલ્હો છોકરીની જેમ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
લગ્નને લઈને જાતજાતના રીતરિવાજો દરેક પ્રાંતમાં હોય છે. જોકે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સદીઓ જૂની પરંપરા હજી અજાણ રહી ગઈ છે. અહીંનાં કેટલાંક ગામોમાં લગ્ન પહેલાં દુલ્હા અને દુલ્હનની વેશભૂષાની અદલાબદલી કરી દેવામાં આવે છે. જે યુવક-યુવતીનાં લગ્ન થવાનાં હોય તેમણે લગ્ન પહેલાં કુળદેવતાની પૂજા કરવાની હોય છે. સ્થાનિકોનું માનવું છે કે કુળદેવતાની પૂજા માટે જો વ્યક્તિ પોતાનું સ્વરૂપ બદલી નાખે તો એ સૌભાગ્ય લાવે છે. આ માટે દુલ્હો જાણે દુલ્હન હોય એમ સાડી, ઘરેણાં અને મેકઅપ કરીને તૈયાર થાય છે, જ્યારે દુલ્હન દુલ્હાની જેમ કુરતો/ શર્ટ અને પૅન્ટ પહેરે છે. કોલુકુલા ગામના યેરાગોંડાપાલેમ મંડલ સમાજનાં દુલ્હા-દુલ્હનો લગ્ન પહેલાંના દિવસે વેશભૂષાની અદલાબદલી કરીને સાથે સરઘસ કાઢે છે અને તેમના ઇષ્ટ દેવતાની પૂજા કરે છે. સ્વરૂપ બદલીને કરાયેલી કુળદેવતાની પૂજાથી તેમનું લગ્નજીવન ખૂબ સારું રહે છે એવું મનાય છે. પૂજા પછી લગ્નની વિધિ નૉર્મલ કપડાંમાં જ થાય છે. આજે આધુનિક સમયમાં પણ સદીઓ જૂની આ પરંપરા હજીયે ગામમાં નિભાવાય છે.


