કિડની અને લિવર બન્નેના ડોનર એકસાથે મળે એ લગભગ અશક્ય જણાતું હતું. એવામાં જયંત ત્યાગીની બે દીકરીઓએ પહેલ કરી
મોરટા ગામની બે દીકરીઓએ પિતાનો જીવ બચાવવા માટે પોતાનાં અંગોનું દાન કર્યું હતું
ફાધર્સ ડે તો આ રવિવારે છે, પરંતુ ગાઝિયાબાદના મોરટા ગામમાં બે દીકરીઓએ એ પહેલાં જ પિતાને જીવનની ભેટ આપી હતી. મોરટા ગામની બે દીકરીઓએ પિતાનો જીવ બચાવવા માટે પોતાનાં અંગોનું દાન કર્યું હતું. ૪૫ વર્ષના જયંત ત્યાગી નામના ભાઈ બિઝનેસમૅન છે. લગભગ એક વર્ષથી તેઓ બીમાર રહેતા હતા. શરૂઆતમાં સામાન્ય બીમારી લાગતી હતી, પણ ત્રણ મહિના પહેલાં જ ખબર પડી કે તેમની બન્ને કિડની અને લિવર ફેઇલ થઈ ચૂક્યાં છે. તેમનો જીવ બચાવવા માટે જલદીમાં જલદી તેમને આ બન્ને અંગો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાં પડે એમ હતાં. ડૉક્ટરોની આ વાત સાંભળીને પહેલાં તો પરિવાર ભાંગી પડ્યો. કિડની અને લિવર બન્નેના ડોનર એકસાથે મળે એ લગભગ અશક્ય જણાતું હતું. એવામાં જયંત ત્યાગીની બે દીકરીઓએ પહેલ કરી. બાવીસ વર્ષની રિષિકાએ પિતાને કિડની આપી અને ૧૯ વર્ષની ખુશીએ પિતાને પોતાનું લિવર આપવાની ઇચ્છા જતાવી. પરિવારજનોએ પહેલાં તો તેમને ના પાડી અને પિતાએ તો ઘસીને ના જ કહી દીધી, પરંતુ બન્ને દીકરીઓ જીદ પર અડગ રહી. તેમણે કહ્યું કે જો પપ્પા છે તો બધું છે, તેમના વિના જીવન શું કામનું?
ડૉક્ટરોએ બન્નેના અંગોની કમ્પૅટિબિલિટી તપાસી અને એ મૅચ થઈ પણ ગઈ. બન્નેએ એકસાથે અવયવો દાન કર્યાં અને ડૉક્ટરોએ અત્યંત જટિલ ગણાય એવું ડબલ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન કર્યું. અત્યંત જટિલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ રહી.
