ફાયરફાઇટરોએ ૨૦ મિનિટમાં ચોરને બહાર કાઢ્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ક્લિનિકમાં ચોરી કરવા માટે એક માણસ છતના રસ્તેથી અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે શટરની ઉપરથી થોડી જગ્યા હતી ત્યાંથી અંદર ઊતરવાની કોશિશ કરી હતી. જોકે એ જગ્યા ખૂબ સાંકડી હતી. ચોર ટીનેજર હતો. તે પાતળો અને સાંકડો હતો એટલે અંદર જવામાં સફળ થઈ ગયો. જોકે એ પછી એ જ રસ્તેથી બહાર નીકળવાનું અઘરું થઈ ગયું. અંદરથી બહાર નીકળવા જતાં તેની ગરદન દીવાલ અને શટરની વચ્ચે જ ફસાઈ ગઈ. લગભગ મળસકે ચોરી કરવા નીકળેલા આ ચોરે ત્યાંથી નીકળવા માટે ખૂબ છટપટાહટ કરી પણ સફળ ન થયો. ૬ કલાક વીતી ગયા અને સવારે ૧૧ વાગ્યે જ્યારે ડૉક્ટરનો સ્ટાફ દવાખાનું ખોલવા ગયો ત્યારે તેમને શટર ખૂલવામાં તકલીફ પડી અને ખબર પડી કે અંદર કોઈ ઘૂસેલું છે. સ્ટાફે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે આવીને દવાખાનાની પાછળની તરફ આવેલા ગેટનું તાળું ખોલ્યું. અંદર ચોરભાઈનું માથું દીવાલ અને શટરની વચ્ચે અટકેલી અવસ્થામાં જોઈને બધા દંગ રહી ગયા. પોલીસે પણ શટર ખોલવાની કોશિશ કરી, પણ ન ખૂલ્યું. આખરે ફાયર-બ્રિગેડને બોલાવવી પડી. ફાયરફાઇટરોએ ૨૦ મિનિટમાં ચોરને બહાર કાઢ્યો.
