દારૂની દુકાનની બહાર સરકારી ડૉક્ટરોનું ચેકઅપ ગોઠવવા બદલ ડૉક્ટર ભડક્યા.
ડૉક્ટરોનો વિરોધ
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં દારૂની દુકાનોની બહાર સ્થાનિક પ્રશાસને ડૉક્ટરોને તહેનાત કર્યા છે. અહીં દારૂ ખરીદવા આવનારા લોકોનું ડૉક્ટરો ચેકઅપ કરે છે. તેમને વધુ દારૂ ન પીવા માટે સમજાવે છે અને બ્લડ-પ્રેશર કે લિવરની તકલીફ છે કે કેમ એ તપાસવા માટે લોહીનાં સૅમ્પલ્સ કલેક્ટ કરે છે. જિલ્લા પ્રશાસને દારૂની દુકાનો પાસેથી રોજ આવનારા ગ્રાહકોની યાદી પણ માગી છે. જે લોકો વારંવાર દારૂ લેવા આવે છે એવા લોકોની તપાસ ડૉક્ટરોએ કરવાની હોય છે. સાગર જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં ઝેરી દારૂ પીવાથી ૨૦ લોકોનું મૃત્યુ થયું હતું. આવો કોઈ કાંડ ફરી ન થાય એ માટે પ્રશાસને આ અભિયાન શરૂ કર્યું છે. કલેક્ટર દિલીપકુમાર યાદવનું કહેવું છે કે રોજ દારૂ પીનારા અને પૂરતું પોષક ફૂડ ન લેનારા લોકોમાં બીમારીઓનું જોખમ વધુ રહેતું હોવાથી રોગનું નિદાન વહેલું થાય અને લોકોને સમજાવી શકાય એ માટે આ પહેલ કરવામાં આવી છે.
જોકે આ વ્યવસ્થા પર બુંદેલખંડ મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. સર્વેશ જૈન ભડક્યા છે. તેમનું કહેવું છે કે ‘શું ડૉક્ટરોએ આ કામ કરવા માટે આટલી મહેનન કરીને ડિગ્રી મેળવી છે કે તેમને દારૂની દુકાનની બહાર ડ્યુટી પર લગાવી દેવામાં આવે? દારૂની લત અને ઝેરી દારૂની સમસ્યા માટે દુકાનની બહાર જ તપાસ કરવાનું પૂરતું નથી. અ માટે પ્રૉપર નશામુક્તિ કેન્દ્ર, સારવાર અને કાઉન્સેલિંગની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો ડૉક્ટરો દારૂના પીઠાની બહાર બેસવા લાગશે તો હૉસ્પિટલમાં ગંભીર દરદીઓ માટે કોણ રહેશે?’
